હવે પોલીસે પણ હેલ્મેટ પહેરવી ફરજિયાત

11 April, 2026 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિયમભંગ બદલ થશે કડક કાર્યવાહી : હેલ્મેટ વિના ટૂ-વ્હીલર ચલાવતા પોલીસનો ફોટો સોશ્યલ મીડિયામાં જોવા મળશે તો તેનું આવી બનશે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર પોલીસ વિભાગે રાજ્યના તમામ પોલીસ-કર્મચારીઓ માટે ટૂ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાના નિયમનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો છે. રોડ-ઍક્સિડન્ટમાં થતાં મૃત્યુના આંકડા ઘટાડવા અને લોકોમાં કાયદા પ્રત્યે સભાનતા લાવવાના હેતુથી ટ્રાફિક વિભાગના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ દ્વારા આ મહત્ત્વની સૂચના આપવામાં આવી છે.

એપ્રિલની શરૂઆતમાં નાગપુર પોલીસ કમિશનરેટ ખાતે ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP)ની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠક બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં થતા કુલ માર્ગ-અકસ્માતોમાં ૩૫થી ૪૦ ટકા મૃત્યુ અને ગંભીર ઈજા ટૂ-વ્હીલરથી થાય છે. હેલ્મેટ પહેરવાથી જીવનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી શકે છે છતાં જોવા મળ્યું છે કે પોલીસ-કર્મચારીઓ પોતે જ આ નિયમનું પાલન નથી કરતા.

મોટર વ્હીકલ ઍક્ટની કલમ ૧૨૯ હેઠળ હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે જો કોઈ પોલીસ-કર્મચારી હેલ્મેટ પહેર્યા વિના ટૂ-વ્હીલર ચલાવતાં ઝડપાશે તો તેની સામે કાયદેસરની અને ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જો કોઈ પોલીસ-કર્મચારી હેલ્મેટ વિના વાહન ચલાવતો સોશ્યલ મીડિયા પર ઝડપાશે અથવા તેનો ફોટો વાઇરલ થશે તો તેને દંડ ફટકારવામાં આવશે અને આ શિસ્તભંગને તેના સર્વિસ-રેકૉર્ડમાં ઇરાદાપૂર્વકના ગેરવર્તન તરીકે નોંધવામાં આવશે.

mumbai police maharashtra news maharashtra mumbai mumbai news