09 June, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં વૈનગંગા નદીમાં રવિવારે મોડી રાત્રે એક બોટ પલટી જતાં બે મિત્રો ડૂબી ગયા હતા અને પાંચ મિત્રો તરીને બહાર આવી ગયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ કુલ ૭ મિત્રો હોડીમાં સવાર થઈને નદીમાં ગયા હતા. મોડી રાતે અચાનક હોડીનું સંતુલન બગાડતાં એ નદીની અધવચ્ચે જ પલટી ગઈ હતી. હોડી પલટતાં જ પાંચ યુવકો ભારે જહેમત બાદ તરીને કિનારા સુધી પહોંચ્યા હતા, પરંતુ બે યુવકો નદીના જોરદાર પ્રવાહ અને ઊંડા પાણીમાં ગુમ થઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થાનિક માછીમારોની મદદથી રાત્રે જ નદીમાં સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું હતું, પરંતુ સોમવારે સાંજ સુધી યુવકોનો મૃતદેહ મળ્યો નહોતો. આ હોડી અચાનક કયા કારણે પલટી ગઈ એ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મોડી રાત્રે નદીમાં જવાની મંજૂરી હતી કે નહીં એ વિશે પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, હોડીમાં સવાર યુવકોમાંથી કોઈએ લાઇફ જૅકેટ પહેર્યું હતું કે નહીં એ વિશે તંત્ર દ્વારા હજી સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પોલીસ હાલ બચી ગયેલા પાંચ યુવકોની પૂછપરછ કરીને અકસ્માતનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
મહારાષ્ટ્ર સરકારે ડોમ્બિવલીના પિંપળેશ્વર મહાદેવ મંદિરની જમીનનો વર્ષો જૂનો પ્રશ્ન દૂર કરી મંદિર માટે ૪ એકર ૨૫ ગુંઠા જમીન ઉપલબ્ધ કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય બાદ સરકારે શ્રી પિંપળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પિંપળેશ્વર મંદિર ભૂમિવિજયનો શિવોત્સવ કાર્યક્રમ સોમવારે સાંજે સાડાસાત વાગ્યે યોજ્યો હતો જેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર તેમ જ સંસદસભ્ય શ્રીકાંત શિંદે હાજર હતા.
કાંદિવલીમાં ચેઇન-સ્નૅચિંગ તેમ જ સાફ અને સુરક્ષિત રસ્તાઓની માગણી સાથે લોકોએ હાથમાં પ્લૅકાર્ડ લઈને પ્રદર્શન કર્યું હતું. પ્લૅકાર્ડમાં ‘ચેઇન- સ્નૅચિંગ રોકો અને મહિલાઓનું સંરક્ષણ કરો’ અને ‘ક્લિયર રોડ્સ, સેફ જર્નીઝ’ જેવા સ્લોગન્સ લખવામાં આવ્યાં હતાં.
સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર ગઈ કાલે પરોઢિયે ગોઝારો અકસ્માત થયો હતો. પુણેથી નાગપુર જઈ રહેલી એક બસ પિંપરી માળી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસના ડ્રાઇવરે આગળ જઈ રહેલી ટ્રકને ટક્કર મારતાં બસના પચીસ જેટલા પૅસેન્જરો ઘાયલ થયા હતા જેમાંથી ૧૧ પૅસેન્જર્સ ગંભીર છે. એવું કહેવાય છે કે એક કલાક સુધી એ ઘાયલ પૅસેન્જરો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા ત્યાર બાદ તેમને સહાય મળી શકી હતી. ઘાયલોને મેહકરની રૂરલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.