ટ્રેન પકડવા જતાં પડી ગયેલા પ્રવાસીને પોલીસના કારણે જીવનદાન મળ્યું

27 November, 2020 07:59 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

ટ્રેન પકડવા જતાં પડી ગયેલા પ્રવાસીને પોલીસના કારણે જીવનદાન મળ્યું

સીસીટીવી કૅમેરામાં પ્રવાસીનો જીવ બચાવતા રેલવે કર્મચારીઓ દેખાઈ આવે છે.

સ્પીડમાં દોડી રહેલી ટ્રેનમાંથી પડેલા પ્રવાસીને રેલવે પોલીસની સતર્કતાને કારણે જીવનદાન મળ્યું છે. કલ્યાણ રેલવે-સ્ટેશનથી સ્પીડમાં જઈ રહેલી એક ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરવામાં પ્રવાસીનું બૅલૅન્સ જતાં પડવાની દુર્ઘટના બની હતી. જોકે પ્રવાસી પડ્યા બાદ ટ્રેન નીચે જવાનો જ હતો કે એ વખતે ટીસી, આરપીએફ જવાન અને પોલીસ-કર્મચારીએ પ્રવાસીનો જીવ બચાવ્યો હતો. દુર્ઘટના બની એ વખતે ત્યાં કર્મચારીઓ ઉપસ્થિત હોવાથી તેમની સતર્કતાના કારણે પ્રવાસીઓનો ચત્મકારિક બચાવ થયો હતો. હૃદયના ધબકારા વધારે એવી આ સંપૂર્ણ ઘટના પ્લૅટફૉર્મ પર રહેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી.

સેન્ટ્રલ રેલવેના કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૪ પર આવેલી વિશેષ ટ્રેન પ્લૅટફૉર્મથી નીકળી રહી હતી. એ વખતે અનેક બૅગ સાથે સામાન લઈને અમુક પ્રવાસી ટ્રેન પકડવાનો પ્રયત્ન કરતા હોવાનું રેલવે મહિલા પોલીસ-અધિકારી કવિતા સાહુએ જોયું હતું. એ જોતાં તેમણે તાત્કાલિક કોઈની રાહ ન જોતાં દોડીને મહિલા અને નાના બાળકને શરૂ થઈ ગયેલી એક્સપ્રેસમાં ચડતાં રોકી દીધાં હતાં. એ દરમિયાન અર્જુન નામના એક પ્રવાસીએ સ્પીડમાં ચાલુ થયેલી ટ્રેન પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પગ સ્લિપ થઈ જતાં તે એક્સપ્રેસ અને પ્લૅટફૉર્મની વચ્ચે રહેલા ગૅપમાં પડ્યો હતો. એ જ વખતે સિનિયર ટીસી વિકી રાજ તેમની સાથે પ્લૅટફૉર્મ પર આરપીએફ જવાન અને અન્ય પ્રવાસીઓની મદદથી તેને બહાર કાઢવામાં સફળતા મળી હતી. રેલવે કર્મચારીઓએ સતર્કતા દેખાડી હોવાથી મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. આ સંપૂર્ણ ઘટના રેલવે પ્લૅટફૉર્મ પર લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થયેલી જોવા મળી હતી.

mumbai mumbai news coronavirus covid19 preeti khuman-thakur