જબ-જબ મોદી ડરતા હૈ, ઈડી કો આગે કરતા હૈ

28 July, 2022 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનિયા ગાંધીની ગઈ કાલે ઈડી દ્વારા થયેલી પૂછપરછના વિરોધમાં કૉન્ગ્રેસનું મુંબઈમાં વિરોધ-પ્રદર્શન : યુથ કૉન્ગ્રેસના કાર્યકરો દ્વારા બોરીવલી પર ગુજરાત એક્સપ્રેસ રોકવામાં આવી

બોરીવલી સ્ટેશન પર ગુજરાત એક્સપ્રેસને રોકી રહેલા કૉન્ગ્રેસના કાર્યકરો

કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીની ગઈ કાલે ફરી એક વાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ નૅશનલ હેરાલ્ડના મની લૉન્ડરિંગ કેસમાં ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. આમ તેમને કુલ ત્રણ દિવસ બોલાવીને ૧૧ કલાક સુધી તેમની પૂછપરછ કરાઈ છે, જેને કારણે તેમના સમર્થકોમાં જોરદાર રોષ વ્યાપી ગયો છે. મુંબઈમાં ઠેર-ઠેર ઈડીની એ કાર્યવાહી સામે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુથ કૉન્ગ્રેસના ૧૦થી ૧૫ કાર્યકરોએ બોરીવલી રેલવે સ્ટેશન પર સવારના ૧૦.૧૫ વાગ્યે ૬ નંબર પરથી ગુજરાત તરફ જઈ રહેલી ગુજરાત એક્સપ્રેસ પણ રોકી હોવાનું જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)એ જણાવ્યું હતું. જીઆરપી અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાનોએ તેમને ત્યાર બાદ તાબામાં લીધા હતા અને ટ્રેન આગળ છોડવામાં આવી હતી.    

દેશભરમાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ નાના પટોળે અને વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાતની આગેવાનીમાં વિરોધ-પ્રદર્શન કરાયું હતું. મુંબઈમાં મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપની દોરવણી હેઠળ મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના કાર્યકરો અને સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. કૉન્ગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર કિન્નાખોરી રાખીને ઈડીને હાથો બનાવીને કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને વારંવાર પૂછપરછ માટે બોલાવીને હેરાન કરે છે. પ્રદર્શનકારીઓએ મોદીના નામનો હુરિયો બોલાવી જોરદાર નારાબાજી કરી હતી. જબ જબ મોદી ડરતા હૈ, ઈડી કો આગે કરતા હૈ અને સોનિયા ગાંધી ઝિંદાબાદ અને રાહુલ ગાંધી ઝિંદાબાદના નારાઓથી તેમણે ગગન ગજવી મૂક્યું હતું.

ભાઈ જગતાપે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મોદીજીના ખોળામાં બેસીને કામ કરવાવાળાઓને અમે આઠ વર્ષથી જોઈ રહ્યા છીએ. હાલ દેશમાં લોકશાહી છે કે નહીં એ જ જનતા સામે મોટો પ્રશ્ન છે. તેમને ચિંતા અમે આવી જઈશું એની છે, દેશ બરબાદ થઈ રહ્યો છે એની નથી. ઠીક છે. નવા-નવા ઘણા આવતા હોય છે. અમે આવા ઘણાને જોયા છે. ૪૦ વર્ષથી હું લોકોની સાથે મળીને કામ કરતો રહ્યો છું. આ લોકો પોતાનાં પાપ છુપાવવા માટે ગાંધી ફૅમિલીને હેરાન કરવાનું પાપ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી કરી શું રહ્યા છે? તેઓ દેશના વડા પ્રધાન છે, માલિક થોડા છે. દેશ ઑલરેડી બરબાદ થવાના આરે છે ત્યારે પોતે ૮૦૦૦ કરોડ રૂપિયાના પ્લેનમાં ફરે છે. આવું તો આ દેશમાં આ પહેલાં ક્યારેય નથી થયું. તેમને શરમ આવવી જોઈએ. દેશનો ગરીબ માણસ મરી રહ્યો છે, જનતા મરી રહી છે, યુવા મરી રહ્યો છે. તેમની પાસે ખાવા માટે કંઈ નથી, નોકરી નથી. બધી જ નોકરીઓ નરેન્દ્ર મોદી ખાઈ ગયા છે. કરોડો નોકરીઓ આ દેશની છેલ્લાં બે-ત્રણ વર્ષમાં બરબાદ કરી નાખી છે. ૭૦ વર્ષમાં કૉન્ગ્રેસે શું કર્યું એમ પૂછનારા મોદી છેલ્લાં આઠ વર્ષથી દેશ વેચી રહ્યા છે અને કહે છે કે ખાતો નથી અને ખાવા દેતો નથી. આમના જેવા કેટલાક લોકો છે જેઓ તેમના પગ ચાટે છે. અમે નહીં ચાટીએ. અમે તેમના વિરોધમાં સંઘર્ષ કરીશું અને રસ્તા પર ઊતરીશું. અમે લોકોની સાથે છીએ. આ અવાજ છે એ જનતાનો છે.’  

mumbai mumbai news directorate of enforcement sonia gandhi congress maharashtra