06 May, 2025 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રુઇયા કૉલેજની ખુશખુશાલ વિદ્યાર્થિનીઓ. તસવીર: શાદાબ ખાન
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવામાં આવેલી હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC)ની પરીક્ષાનું ગઈ કાલે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૯૧.૮૮ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષની સરખામણીએ ૧.૪૯ ટકા ઓછું છે. છેલ્લાં કેટલાંક વર્ષની જેમ આ વર્ષે પણ HSCમાં છોકરીઓએ ૯૪.૫૮ ટકા પાસ થઈને બાજી મારી છે, જ્યારે ૮૯.૫૧ ટકા છોકરાઓ પાસ થયા છે. ૯૬.૭૪ ટકા સાથે રાજ્યભરમાં કોંકણ ડિવિઝન અવ્વલ રહ્યું છે, જ્યારે મુંબઈ ડિવિઝન ૯૨.૯૩ ટકા સાથે ત્રીજું આવ્યું છે. સાયન્સના ૯૭.૩૫ ટકા, કૉમર્સના ૯૨.૬૮ ટકા અને આર્ટ્સના ૮૦.૫૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
HSCમાં આ વર્ષે રાજ્યભરનાં ૯ ડિવિઝનમાં કુલ ૧૪,૨૭,૦૮૫ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ ૯૧૧૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા નહોતી આપી એટલે ૧૪,૧૭,૯૬૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આમાંથી ૯૧.૮૮ ટકા એટલે કે ૧૩,૦૨,૮૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
રાજ્યભરનાં ૯ ડિવિઝનમાં કોંકણ ૯૬.૭૪ ટકા સાથે અવ્વલ, મુંબઈ ૯૨.૯૩ ટકા સાથે ત્રીજું અને લાતુર ૮૯.૪૬ ટકા સાથે છેલ્લે રહ્યું છે.
HSC બોર્ડમાં કુલ ૧૫૪ વિષયની એક્ઝામ લેવામાં આવી હતી, એમાંથી ૩૭ સબ્જેક્ટમાં ૧૦૦ ટકા રિઝલ્ટ આવ્યું છે.
૧૯૨૯ કૉલેજનું રિઝલ્ટ ૧૦૦ ટકા, ૪૫૬૨ કૉલેજનું રિઝલ્ટ ૯૦થી ૯૯.૯૯ ટકા, તો ૩૭ કૉલેજનું રિઝલ્ટ ઝીરો આવ્યું છે.