મહારાષ્ટ્રના હેલ્થ ડિપાર્ટમેન્ટે શંકાસ્પદ મન્કીપૉક્સ માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી

24 May, 2022 11:47 AM IST  |  Mumbai | Suraj Pandey

લગભગ બે વર્ષ સુધી સમગ્ર વિશ્વમાં કોવિડ-19નો કેર છવાયા પછી હવે માવનજાત પર વધુ એક વાઇરસ મન્કીપૉક્સનું જોખમ તોળાઈ રહ્યું છે.

મન્કીપૉક્સ વાઇરસની કલર્ડ ઇલેક્ટ્રોન-માઇક્રોસ્પોપિક ઇમેજ.


મુંબઈ ઃ લગભગ બે વર્ષ સુધી સમગ્ર વિશ્વમાં કોવિડ-19નો કેર છવાયા પછી હવે માવનજાત પર વધુ એક વાઇરસ મન્કીપૉક્સનું જોખમ તોળાઈ રહ્યું છે. રાજ્યનો આરોગ્ય વિભાગ અલર્ટ પર છે તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં શંકાસ્પદ કેસ જણાતાં સર્વેલન્સ, નિદાન અને અલગતા માટે ઍડ્વાઇઝરી જાહેર કરી છે.  
બીએમસીનાં એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉક્ટર મંગલા ગોમારેએ કહ્યું હતું કે ‘તેમને રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી મન્કીપૉક્સ પર ઍડ્વાઇઝરી મળી છે અને તેઓ સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી માર્ગદર્શિકાનું સખતાઈથી પાલન કરશે.’ 
 વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ જણાવ્યા મુજબ મન્કીપૉક્સ એ એક મનુષ્યને સંક્રમિત કરતો પ્રાણીઓનો રોગ છે, જે મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાનાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે અને અવારનવાર અન્ય પ્રદેશોમાં પ્રસરે છે. આ રોગ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પ્રસરે છે તેમ જ મનુષ્યોમાંથી મનુષ્યોમાં પણ પ્રસાર પામી શકે છે. 
અત્યાર સુધીમાં યુરોપ, અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયલ અને સ્વિટ્ઝરલૅન્ડ જેવા દેશોમાં ૮૦ કરતાં વધુ કેસ નોંધાયા છે. જોકે હજી સુધી કોઈનું મૃત્યુ નથી થયું.  
મન્કીપૉક્સ ભારતમાં હજી સુધી પ્રસાર પામ્યો નથી, પરંતુ એ ભારતમાં પણ પ્રવેશે એની શક્યતાઓ નકારી શકાતી નથી. વિશ્વભરમાં નોંધાયેલા મન્કીપૉક્સના કેસ સ્થાનિક ટ્રાન્સમિશન અને આફ્રિકન દેશોમાં પ્રવાસને કારણે છે. 
એક સક્રિય અભિગમ તરીકે નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ અને કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ભારતમાંથી શંકાસ્પદ કેસ નોંધાયા એ સંજોગોમાં લેવાનાં કેટલાંક તાકિદનાં પગલાંની જાણકારી આપી છે. આરોગ્ય સુવિધાઓને છેલ્લા ૨૧ દિવસ દરમ્યાન મન્કીપૉક્સ નોંધાયો હોય એવા દેશોના પ્રવાસનો ઇતિહાસ ધરાવતા તથા જેઓ શરીર પર ઓળખી ન શકાય એવી ફોલ્લીઓની ફરિયાદ કરનારા લોકો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. તમામ શંકાસ્પદ કેસ ધરાવતા પેશન્ટ્સના જખમ સારા ન થાય અને નવી ત્વચાનું પડ ન આવે ત્યાં સુધી કે પછી સારવાર કરનાર ડૉક્ટર આઇસોલેશન સમાપ્ત કરવાનો નિર્ણય ન લે ત્યાં સુધી આવા રોગીઓને નિર્દિષ્ટ આરોગ્ય સંભાળ સુવિધાઓમાં અલગ રાખવા જણાવ્યું છે. આવા તમામ દરદીઓની જાણ સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામના જિલ્લા સર્વેલન્સ ઑફિસરને કરવાની રહેશે.
આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલી અન્ય ભલામણોમાં પેશન્ટની સારવાર દરમ્યાન ચેપને નિયંત્રણમાં રાખવા આવશ્યક તમામ પદ્ધતિઓનું પાલન કરવું, શંકાસ્પદ પેશન્ટનાં સૅમ્પલ્સને પરીક્ષણ માટે એનઆઇવી-પુણે મોકલવા જેવાં પગલાંઓનો સમાવેશ થાય છે. જો પેશન્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવે તો અધિકારીઓએ કૉન્ટૅક્ટ ટ્રેસિંગ શરૂ કરવું પડશે.
મન્કીપૉક્સ એ સામાન્યપણે સ્વમર્યાદિત રોગ છે, જેનાં લક્ષણો બેથી ચાર અઠવાડિયાં કાયમ રહે છે. ગંભીર કેસ પણ થઈ શકે છે, પરંતુ મૃત્યુ દર એકથી દસ ટકા જેટલો છે. 
વાયરોલૉજિસ્ટ જણાવે છે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં તથા મનુષ્યમાંથી મનુષ્યમાં લાળ શારીરિક સંપર્ક તેમ જ પ્રાણીઓના કચરાના સંપર્કમાં આવવાને લીધે થઈ શકે છે. અન્ય વાઇરસની જેમ જોખમી ન હોવાથી ભય પામવાની જરૂર નથી, પરંતુ એનાથી આરોગ્ય પરનું જોખમ વધી શકે છે તથા એની અસર સાતથી માંડીને ૨૧ દિવસ રહે છે.’ 
નાણાવટી હૉસ્પિટલમાં ઇન્ફેક્ટિયસ ડિસીઝ ઍન્ડ ઇન્ટર્નલ મેડિસિનનાં સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર હેમલતા અરોરાએ કહ્યું હતું કે ‘મન્કીપૉક્સ એ સ્મૉલપૉક્સ (શીતળા) જેવું જ એક વાઇરલ ઇન્ફેક્શન છે. આ રોગ મોટે ભાગે વાંદરા, ખિસકોલી અને આફ્રિકાના પશ્ચિમી અને મધ્ય પ્રદેશોના ઉંદરોમાં જોવા મળે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થતા શીતળાના રસીકરણમાં ઘટાડો થવાને કારણે હવે કેસ વધી રહ્યા છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે ભારતમાં રોગ ફેલાવાની શક્યતા ઓછી છે.’ 

mumbai news maharashtra