15 August, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા નિયુક્ત પૅનલે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારીઓ સાથેના નિરીક્ષણ દરમ્યાન નબળાં સ્વચ્છતા ધોરણો દર્શાવ્યાં અેના અઠવાડિયા પછી મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે મંત્રાલયની કૅન્ટીનમાં રસોડાના આધુનિકીકરણ માટે ૩.૦૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા સરકારી ઠરાવ મુજબ રાજ્ય સચિવાલય ખાતે મંત્રાલય અને સ્ક્વેર મીલ કૅન્ટીનના કામ માટે ૩.૦૨ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
આધુનિકીકરણની યોજનામાં સમારકામ અને નવીનીકરણ, અપગ્રેડેડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટૉલેશન અને એક્ઝોસ્ટ સિસ્ટમ્સનું નવીનીકરણ જેમાં ગૅલ્વેનાઇઝ્ડ આયર્ન (GI)ના છાપરા, માઇલ્ડ સ્ટીલના સ્ટ્રક્ચર્સ અને ગૅલ્વેનાઇઝ્ડના ડક્ટિંગનો સમાવેશ થશે. ખાદ્ય સલામતી, સ્વચ્છતા અને કર્મચારીઓની સલામતી સુધારવા માટે રસોડાને આધુનિકીકરણની જરૂર છે. મંજૂર કરાયેલાં કાર્યોમાં ફ્લોરિંગને સ્વચ્છ અને વૉટરપ્રૂફ બનાવવાનો, સ્ટેનલેસ-સ્ટીલ; મૉડ્યુલર અને ઊર્જા-કાર્યક્ષમ ઉપકરણોથી રસોડાને અપગ્રેડ કરવાનો; ગરમી, ભેજ અને ધુમાડો ઘટાડવા માટે સિસ્ટમ્સ ઇન્સ્ટૉલ કરવાનો; વાસણો ધોવા અને સૅનિટાઇઝ કરવા માટે પૂરતી સુવિધાઓ પૂરી પાડવાનો અને ફ્લાય-પ્રૂફ મેશ (માખીઓ ન આવી શકે એવી જાળી) અને હાથ ધોવાની સુવિધાઓ ઇન્સ્ટૉલ કરવાનો પણ સમાવેશ થાય છે.