ઈ-ચલાનની સમસ્યાના ઉકેલ માટે પૅનલની રચના પૅસેન્જર ટ્રાન્સપોર્ટ વાહનોની હડતાળ ટળી

28 June, 2025 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે અયોગ્ય કે સખત દંડ ફટકાર્યા વગર ટ્રાન્સપોર્ટર્સને સપોર્ટ કરે એવી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક

રાજ્યના ટ્રાન્સપોર્ટર્સને ઈ-ચલાન સિસ્ટમને કારણે મુશ્કેલી થતી હતી. આ સમસ્યાના સમાધાન માટે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે નવી પૅનલની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ પૅનલમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, પોલીસ અધિકારી અને નિષ્ણાતોની સાથે ટ્રાન્સપોર્ટ અસોસિએશનના પ્રતિનિધિઓ પણ સામેલ રહેશે. પૅનલ પોતાનો રિપોર્ટ એક મહિનામાં સબમિટ કરશે.

ઈ-ચલાન ઉપરાંત સ્પીડ-લિમિટ અને પાર્કિંગના નિયમો બાબતે પણ આ રિપોર્ટમાં સૂચનો આપવામાં આવશે. પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે અયોગ્ય કે સખત દંડ ફટકાર્યા વગર ટ્રાન્સપોર્ટર્સને સપોર્ટ કરે એવી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે.

ઈ-ચલાન, નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા ઉપરાંત ડિપાર્ટમેન્ટલ સમસ્યાઓને કારણે ટ્રાન્સપોર્ટની પ્રક્રિયામાં મુશ્કેલી થતી હોવાને લીધે પહેલી જુલાઈએ રાજ્યમાં તમામ પૅસેન્જર ટ્રાન્સપોર્ટ વાહનોની હડતાળ પર ઊતરવાની તૈયારી હતી. ગુરુવારે ઈ-ચલાનની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમિતિની રચના કરવાના નિર્ણય બાદ મુંબઈ બસ માલક સંઘટનાના મુરાદ નાઈકે હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

mumbai news mumbai mumbai transport maharashtra maharashtra news