મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પોતાનું પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી, કહ્યું...

28 November, 2022 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિપક્ષ ઉપરાંત રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને તેમના નિવેદન માટે આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ તેમના નજીકના લોકો પાસેથી તેમના પદ અને જવાબદારીમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે, હંગામાથી વ્યથિત કોશ્યારી તેમના ગૃહરાજ્ય ઉત્તરાખંડ પાછા જવા માગે છે. મહાવિકાસ અઘાડી, ભાજપના સાંસદ ઉદયન રાજે ભોસલે અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપના પૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિના વધતા દબાણ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી બેકફૂટ પર હોય તેમ લાગે છે.

મહારાષ્ટ્રમાં, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવાજી મહારાજ પર આપેલા નિવેદન પર વિવાદ બાદ, મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે “તેઓ તેમનું પદ છોડીને તેમના ગૃહરાજ્ય ઉત્તરાખંડ પાછા જવા માગે છે.” વાસ્તવમાં શિવાજી મહારાજ પરના તેમના નિવેદન બાદ તેમને ચારેબાજુ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. એનસીપીના વડા શરદ પવારે પણ કોશ્યારીની ટિપ્પણી પર આકરી ટિપ્પણી કરી હતી. શરદ પવારે કહ્યું કે “રાજ્યપાલે તમામ હદો વટાવી દીધી છે.” તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાનને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.

ભાજપના સાંસદે પણ વાંધો ઉઠાવ્યો

વિપક્ષ ઉપરાંત રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને તેમના નિવેદન માટે આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે. ભાજપના સાંસદ છત્રપતિ ઉદયનરાજે ભોસલે ગામે પણ રાજ્યપાલ કોશ્યારીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યપાલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેમણે રાજ્યપાલને તેમના પદ પરથી હટાવવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: પોલીસ વિભાગમાં ટ્રાન્સજેન્ડરના પ્રવેશ મામલે હાઈકોર્ટમાં 30 નવેમ્બરે થશે સુનાવણી

mumbai mumbai news maharashtra