રાજ્ય સરકારની બેફિકરાઈ વીજસંકટનું મૂળ કારણ

15 October, 2011 08:12 PM IST  | 

રાજ્ય સરકારની બેફિકરાઈ વીજસંકટનું મૂળ કારણ

 

કોલસાનો પુરવઠો હોવા છતાં ઓછો ઉપાડ કરતા આંધ્ર પ્રદેશને ડાઇવર્ટ કરી દેવામાં આવ્યો : બીજી બાજુ પાંચ વીજઉત્પાદન કેન્દ્ર પણ બગડેલાં


કોલસાનો ઓછો ઉપાડ

રાજ્યમાં કોલસાની અછત હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ રેલવે અને અન્ય લિન્કેજમાંથી રાજ્ય સરકારે માત્ર ૭૯ ટકા કોલસો જ ઉપાડ્યો છે. સેન્ટ્રલ ઇલેક્ટિÿક ઑથોરિટીની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર રાજ્યનાં વિવિધ થર્મલ પાવર-સ્ટેશનોમાં ૧૨થી ૪૦ દિવસનો કોલસો હતો.

રાજ્ય સરકારે વેસ્ટર્ન કોલ ફીલ્ડ સાથે કરેલા કરાર મુજબ સપ્ટેમ્બરના અંત સુધીમાં ૧૮૭.૩૭ ટન કોલસો ઉપાડવો જોઈતો હતો, પરંતુ વાસ્તવમાં એણે માત્ર ૧૪૭.૫૮ લાખ ટન એટલે કે ૭૯ ટકા કોલસો જ ઉપાડ્યો હતો. આ ઉપરાંત કોલસો રાખવા માટે સરકાર છેલ્લાં ચાર વર્ષથી શેડ બાંધતી ન હોવાથી ચોમાસામાં કોલસો ભીનો થાય છે અને એને માટે પણ રાજ્ય સરકાર જ જવાબદાર છે.

મહાજેનકો (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કંપની)ના વેસ્ટર્ન કોલ ફેડરેશન પાસે ૬,૦૦,૦૦૦ ટન કોલસો પડ્યો હોવા છતાં હજી એણે એ ઉપાડ્યો ન હોવાથી આ કોલસો આંધ્ર પ્રદેશ તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે રાજ્યનાં કોલસાનાં ગોડાઉનોમાં ૩,૮૭,૦૦૦ ટન કોલસો પડ્યો છે અને સરકારે એ ઉપાડ્યો નથી. આ ઉપરાંત મુંબઈ અને કોંકણનાં વિવિધ બંદરોમાં વિવિધ પ્રાઇવેટ

કંપનીઓ દ્વારા આયાત કરવામાં આવેલો ૨૦થી ૨૫ લાખ ટન કોલસો પડ્યો છે અને એ કોલસો ખરીદી લેવામાં આવે તો એક મહિના માટે વીજઉત્પાદનની સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે.

રાજ્યનાં પાંચ વીજઉત્પાદન કેન્દ્ર બગડેલાં

રાજ્યમાં કોલસાના અભાવે વીજઉત્પાદન ઘટ્યું હોવાનો દાવો મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે, પરંતુ વાસ્તવમાં રાજ્યમાં માત્ર એક ખાપરખેડાનું જ વીજઉત્પાદન કેન્દ્ર કોલસાના અભાવે બંધ છે. આમ કોલસાના અભાવે રાજ્યમાં માત્ર ૨૫૦ મેગાવૉટની ખાધ સર્જાઈ છે. બાકીનું વીજઉત્પાદન પાંચ કેન્દ્રોની ટેક્નિકલ ખરાબીને કારણે અટકી પડ્યું હોવાનું બહાર આવ્યું છે.

ક્યાં છે કોલસાની સમસ્યા?

ભુસાવળમાં ૪૧ દિવસનો ક્વોટા

ચંદ્રપુરમાં ૧૯ દિવસનો ક્વોટા

કરોડીમાં ૨૪ દિવસનો ક્વોટા

નાશિકમાં ૧૫ દિવસનો ક્વોટા

પરળીમાં પાંચ દિવસનો ક્વોટા

પારસમાં ૧૫ દિવસનો ક્વોટા

મુલુંડમાં એમએનએસનું કોલસાભેટ આંદોલન

લોડશેડિંગને કારણે સામાન્ય નાગરિક અને વેપારીઓને હેરાનગતિ થઈ રહી છે એની સામે અનોખું આંદોલન મુલુંડમાં એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ ગઈ કાલે હાથ ધર્યું હતું જેમાં મુલુંડની મહાવિતરણના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નર્મિલેને રાજ્યના ઊર્જાપ્રધાનને આપવા માટે હાથપંખા, મીણબત્તી અને કોલસાની ભેટ આપવામાં આવી હતી. મુલુંડ-ભાંડુપ વિસ્તારમાં મહાવિતરણે ફરીથી લોડશેડિંગ શરૂ કર્યું એના વિરોધમાં મુલુંડ (ઈસ્ટ)ના હનુમાન ચોક ખાતેના એમએનએસના કાર્યાલયથી સરકારવિરોધી સૂત્રોચ્ચારો સાથે મોરચો મુલુંડ (વેસ્ટ)માં આવેલી મહાવિતરણની કચેરી સુધી લઈ જવામાં આવ્યો હતો. ઈંધણના અભાવે રાજ્યમાં વીજકટોકટી ઉદ્ભવી હોવાના નિવેદનને ધ્યાનમાં લેતાં ઊર્જાપ્રધાનને કોલસાની ભેટ આપવામાં આવી હતી. મોરચાનું નેતૃત્વ એમએનએસના સત્યવાન દળવીએ કર્યું હતું.

ઊર્જા ખાતું લઈ લે કૉન્ગ્રેસ

રાજ્યમાં બરાબર તહેવારોના દિવસોમાં જનતાને લોડશેડિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાને કારણે રાજ્યમાં સત્તાધારી લોકશાહી આઘાડીમાં રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે એવું લાગતું હોય તો પોતાની પાસેથી ઊર્જાખાતું લઈ લેવાનો પડકાર કૉન્ગ્રેસને ફેંક્યો છે.

વિપક્ષોની સાથે કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા પણ કરવામાં આવેલી ટીકાને પગલે અજિત પવારે એવું નિવેદન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે કે ‘રાજ્યમાં લોડશેડિંગ વિરુદ્ધમાં થઈ રહેલાં આંદોલનો પાછળ વિપક્ષોનો હાથ છે. જૈતાપુર જેવા મહત્વાકાંક્ષી વીજપ્રકલ્પ સામે આંદોલન કરવું છે અને પછી વીજળી માટે બૂમો પાડવી છે. આમ છતાં જો કૉન્ગ્રેસને લાગતું હોય કે કારભાર વ્યસ્થિત નથી ચાલી રહ્યો તો તેઓ મારી પાસેથી ઊર્જાખાતું પાછું લઈ શકે છે.’

દિવાળી સુધીમાં પરિસ્થિતિ સુધરી જશે

મહારાષ્ટ્રમાં દિવાળી અંધારામાં નહીં હોય એવી ખાતરી આપતાં કેન્દ્રીય ઊર્જાપ્રધાન સુશીલકુમાર શિંદેએ કહ્યું હતું કે ‘આગામી ચારથી પાંચ દિવસમાં ઊર્જાનું સંકટ દૂર થઈ જશે. દિવાળી લાઇટની સાથે જ ઊજવાશે. કોલસાના પુરવઠાની કેટલીક સમસ્યા હતી અને અમે કોલસામંત્રાલય સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. આ ઉપરાંત જ્યાં જરૂર છે ત્યાં અમે કોલસા એક પ્લાન્ટ કે યુનિટથી બીજા પ્લાન્ટ અને યુનિટમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ.’

બીજી તરફ કોલસામંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે કોલસાનો પુરવઠો વધારીને ૧૬૯ રેક કરી દેવામાં આવ્યો છે, જેમાંથી ૧૪૮ રેક કોલસો ઊર્જાક્ષેત્ર માટે આપવામાં આવ્યો છે.