મહારાષ્ટ્ર સરકારે બધી સ્કૂલોમાં પહેલાથી દસમા ધોરણ સુધી મરાઠી ભાષા ફરજિયાત બનાવી

30 June, 2026 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ આદેશનું કોઈ પણ ઉલ્લંઘન કડક કાર્યવાહીને પાત્ર બનશે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દાદા ભુસેએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યની બધી (દરેક મીડિયમની) સ્કૂલોમાં પહેલાથી દસમા ધોરણ સુધી મરાઠી ફરજિયાત ભાષા રહેશે. તેમણે આ નિર્દેશનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપીને કહ્યું હતું કે સરકાર મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજના વારસાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રમાં જાહેરાત કરતાં દાદા ભુસેએ કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે તમામ સંલગ્ન સ્કૂલોમાં ફરજિયાત મરાઠી શીખવવામાં આવે એ માટે સૂચનાઓ ઇશ્યુ કરી છે. આ આદેશનું કોઈ પણ ઉલ્લંઘન કડક કાર્યવાહીને પાત્ર બનશે.’

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે એક પ્રશ્નના જવાબમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેમણે ઘણી સ્કૂલોમાં મરાઠીનું ફરજિયાત શિક્ષણ લાગુ ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ચર્ચા દરમ્યાન તેમણે એ પણ નિર્દેશ કર્યો હતો કે ભૂલ કરનારી સ્કૂલો પર લાદવામાં આવેલ દંડ અપૂરતો હતો અને હાલના નિયમોનો અમલ બિનઅસરકારક રહ્યો હતો.

એના પર દાદા ભુસેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકાર મરાઠી ભાષાના સંરક્ષણ, પ્રોત્સાહન અને પ્રચાર માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. રાજ્યભરમાં એક ખાસ નિરીક્ષણ અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં તમામ સ્કૂલોમાં મરાઠીનું ફરજિયાત શિક્ષણ આપવાની સમીક્ષા કરવામાં આવશે.’

સત્યમેવ જયતે ફાર્મર કપ 2026ની શરૂઆત

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ગઈ કાલે ‘સત્યમેવ જયતે ફાર્મર કપ 2026’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર અને બૉલીવુડના અભિનેતા આમિર ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ દ્વારા સ્થાપવામાં આવેલા પાની ફાઉન્ડેશન દ્વારા ફાર્મર કપનું આયોજન કરવામાં આવે છે. આખા રાજ્યમાં આ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામૂહિક ખેતી દ્વારા ખેડૂતોના વિકાસ અને તેમના દ્વારા વાતાવરણને અનુરૂપ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરાતી ખેતીને પ્રમોટ કરવામાં આવે છે. આ વર્ષે આ કપનું માળખું વિસ્તારીને રાજ્યના ૩૫૧ તાલુકાને આવરી લેવામાં આવ્યા છે. એક વર્ષ સુધી ચાલનારી આ ઇવેન્ટમાં હજારોની સંખ્યામાં ખેડૂતોએ આ રજિસ્ટ્રેશન કરાવીને પાર્ટ લીધો છે. મોટી સંખ્યામાં ઍગ્રિકલ્ચર ઑફિસર્સ આ અભિયાનમાં ખેડૂતોને ટ્રેઇનિંગ અને ગાઇડન્સ આપશે. આ સ્પર્ધાનો ઉદ્દેશ એ છે કે ઓછા ખર્ચે ખેડુતો સમૂહ ખેતી કરીને અને નવી ટેક્નિક વાપરીને તેમના જીવનસ્તરને ઊંચું લાવી શકે.

આવતા વર્ષથી TET ઑનલાઇન લેવાશે

TET પેપર-લીક મામલે વિપક્ષ આક્રમક : CBI તપાસની માગણી સાથે મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણી કરી

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં સોમવારે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET)ના પ્રશ્નપત્ર લીક થવાના કૌભાંડ વિશે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે આ સમગ્ર પ્રકરણની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરાવવાની માગણી કરી છે અને સાથે જ શિક્ષણપ્રધાન દાદા ભુસેના રાજીનામાની માગણી કરી છે. વિપક્ષના આક્રોશ અને હંગામાને કારણે ગૃહની કાર્યવાહી ૩૦ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. ગૃહમાં બોલતાં શિક્ષણપ્રધાન દાદા ભુસેએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી ચૂકી છે અને ચારથી વધુ ટીમો બનાવીને સઘન તપાસ ચાલી રહી છે. સરકારનું વલણ આ બાબતે કડક કાર્યવાહી કરવાનું છે.  શિક્ષણપ્રધાન દાદા ભુસેએ ગૃહમાં વધુમાં જાહેરાત કરી હતી કે હવે પછીની TET અને અન્ય તમામ પરીક્ષાઓ ઑનલાઇન પદ્ધતિથી પારદર્શક રીતે લેવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક ખાસ સમિતિની રચના કરવામાં આવી રહી છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra Education shivaji maharaj