✕

છૂટક તેલના વેચાણમાં ભેળસેળ બાબતે મહારાષ્ટ્ર સરકાર ચિંતિત

02 November, 2026 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છૂટક તેલના વેચાણમાં ગોરખધંધા થાય છે કે નહીં એની તપાસ માટે કમિટીની રચના કરી

પ્રતીકાત્મક તસવીર

ફૂડ-સેફ્ટીને ધ્યાનમાં રાખીને છૂટક ખાદ્ય તેલ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો એના બે મહિના બાદ સરકારે છૂટક તેલના વેચાણમાં 
ફૂડ-સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તથા એમાં ભેળસેળ કરવા જેવા ગોરખધંધા થાય છે કે નહીં એની તપાસ માટે કમિટી બનાવી છે. ઉલ્લેખનીય છે કે છૂટક ખાદ્ય તેલ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ પરંપરાગત રીતે પેઢીઓથી છૂટક ખાદ્ય તેલ વેચનારાઓના રોજગારને ધ્યાનમાં રાખીને પાછો ખેંચવામાં આવ્યો હતો. 
ઉલ્લેખનીય છે કે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા તાત્કાલિક ધોરણે છૂટક તેલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ આદેશ પર રોક લગાવી હતી. આ મામલે FDAને એક મહિનાની અંદર રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવાનું જણાવવામાં આવ્યું છે. લૂઝ એડિબલ ઑઇલ સેલ કો-ઑર્ડિનેશન ઍન્ડ પૉલિસી કમિટી ફૂડ-સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ 2006ની સમીક્ષા કરશે. આ ઉપરાંત છૂટક ખાદ્ય તેલ વેચનારાઓને સામનો કરવી પડતી સમસ્યાઓને જાણીને પૉલિસીમાં કયા ફેરફાર કરી શકાય જેથી પરંપરાગત રીતે પોતાનો વ્યવસાય નિયમોનું પાલન કરીને ચલાવી શકે એ માટે ભલામણો કરશે. 
ઉલ્લેખનીય છે કે આ નિર્ણયના કારણે આખા મહારાષ્ટ્રમાં ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં દાયકાઓથી છૂટક ખાદ્ય તેલ વેચનારા વેપારીઓને મોટી રાહત મળી છે. જોકે આ કમિટી ફક્ત ભલામણો આપવા માટે બનાવવામાં આવી છે અને હાલ જે કાયદા-નિયમો છે એમાં ફેરફાર કરવાની કમિટીને કોઈ સત્તા નથી એવી સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી છે. 

mumbai news mumbai oil prices maharashtra government maharashtra maharashtra news