ઓરીના રોગચાળાને નાથવા થશે ૧૧ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના

03 December, 2022 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના મહામારીની જેમ આ ચેપી રોગ પર નજર રાખીને એ સંબંધી ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મુંબઈ અને થાણે સહિત રાજ્યમાં કેટલાંક સ્થળે બાળકોમાં ઓરીના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે આ ચેપી રોગને ફેલાતો રોકવા અને એના પર નજર રાખવા માટે ૧૧ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ટાસ્ક ફોર્સના અધ્યક્ષ રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય અધિકારી ડૉ. સુભાષ સાળુંખે હશે.

રાજ્યમાં ઓરીના વધી રહેલા કેસ બાબતે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા બાબતે નિર્દેશ આપ્યો છે. સંસર્ગજન્ય રોગ ઓરી પર નજર રાખવા અને ઉપાય કરવા માટે જે રીતે કોરોના મહામારીમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી એવી જ રીતે ૧૧ સભ્યોની આ ટાસ્ક ફોર્સ હશે. ડૉ. સુભાષ સાળુંખેની અધ્યક્ષતામાં સંસર્ગજન્ય રોગના ૧૧ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની ટાસ્ક ફોર્સ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઓરીના સૌથી વધુ મામલા મુંબઈમાં નોંધાયા છે. અહીં અત્યાર સુધી ૩૫૬ કેસ આવ્યા છે, જ્યારે ઓરીના શંકાસ્પદ દરદીઓની સંખ્યા ૪૩૫૫ જેટલી થઈ છે. મુંબઈમાં અત્યારે ૧૧૭ બાળકો ‌જુદી-જુદી હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. એમાંથી ૧૬ બાળકો ઑક્સિજન સપોર્ટ પર તો ચાર બાળકો આઇસીયુમાં અને ત્રણ બાળકો વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ગઈ કાલે પણ ઓરીની અસર ધરાવતાં વધુ ૪૩ બાળકોને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.

mumbai mumbai news maharashtra