Maharashtra: પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વસૂલીના કેસમાં 11 એપ્રિલ સુધી CBI કસ્ટડીમાં

06 April, 2022 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમુખને CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટે તેમને 11 એપ્રિલ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.

ફાઇલ તસવીર

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મુંબઈની આર્થર રોડ જેલમાંથી તેની કસ્ટડીમાં લીધા હતા, જ્યાં તેઓ મહારાષ્ટ્રમાં રૂા. 100 કરોડની વસૂલાતના સંબંધમાં બંધ હતા. કેન્દ્રીય એજન્સીએ તેની સામે ખંડણીનો કેસ નોંધ્યો હતો. દેશમુખને CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટે તેમને 11 એપ્રિલ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.

કેન્દ્રીય એજન્સીએ મંગળવારે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટને જણાવ્યું હતું કે “દેશમુખ રૂા. 400 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈની પૂછપરછથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેથી તે સ્વાસ્થ્યના કારણોને ટાંકી રહ્યા હતા. સીબીઆઈએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝે અને દેશમુખના બે નજીકના સાથી કુંદન શિંદે અને સંજીવ પલાંડેની અટકાયત કરી છે.

દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર અને ખંડણીના કેસમાં વધુ તપાસ કરવા માટે ત્રણેયને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં વિશેષ પીએમએલએ કોર્ટની ન્યાયિક કસ્ટડીમાં હતા. સીબીઆઈએ સોમવારે સ્પેશિયલ પીએમએલએ કોર્ટ અને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટની મંજૂરી મળ્યા બાદ ત્રણેયને કસ્ટડીમાં લીધા હતા. સીબીઆઈને દેશમુખને કસ્ટડીમાં લેવાની પરવાનગી પણ આપવામાં આવી હતી, પરંતુ દેશમુખ હોસ્પિટલમાં હોવાથી તપાસ એજન્સી કોર્ટના આદેશ છતાં તેને કસ્ટડીમાં લઈ શકી ન હતી.

સોમવારે, સીબીઆઈએ સચિન વાઝે અને અન્ય બેને કસ્ટડીમાં લીધા પછી વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. સીબીઆઈએ ત્રણેય શખ્સોની દસ દિવસની કસ્ટડી માગી હતી અને સચિન વાઝે, સંજીવ પાલાંડે અને કુંદન શિંદેને તપાસ માટે દિલ્હી લઈ જવા માગતા હતા, પરંતુ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે સીબીઆઈને ત્રણેયને 11 એપ્રિલ સુધી કસ્ટડીમાં લેવા અને તપાસ કરવા જણાવ્યું હતું.

mumbai mumbai news anil deshmukh central bureau of investigation