06 August, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુકારામ મુંઢે
રાજ્ય સરકારના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અને દવાની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પચીસ મેથી ૩૧ જુલાઈ દરમ્યાન બે મહિનાનું વ્યાપક કડક અમલીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નાગરિકોની સ્વાસ્થ્ય-સુરક્ષાને પ્રાથમિકતા આપીને ભેળસેળિયું દૂધ, ગેરકાયદેસર ગુટકા, સુગંધિત તમાકુ અને પ્રતિબંધિત ઉત્પાદનો સામે ઝીરો ટૉલરન્સ નીતિ અપનાવીને રાજ્યભરમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે જ અસ્વચ્છતા અને નિયમોનું ઉલ્લંઘન કરતી હોટેલો અને રેસ્ટોરાં સામે લાઇસન્સ રદ કરવા સહિતનાં કડક પગલાં લેવામાં આવ્યાં છે.
આ અભિયાન દરમ્યાન FDA દ્વારા કરવામાં આવેલી આંકડાકીય કાર્યવાહી અતિ આક્રમક રહી છે. ખાદ્ય વિભાગ દ્વારા ખાણીપીણીનાં કુલ ૩૧૩૭ સ્થળોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૭૬૪ સંસ્થાનોને સુધારણા નોટિસ આપવામાં આવી છે અને ૧૬૫નાં લાઇસન્સ નિલંબિત કરાયાં છે. કાર્યવાહી દરમ્યાન ૫૫,૭૨,૬૯,૩૩૬ રૂપિયાની કિંમતનું ૨૮,૬૬,૦૯૬ કિલો અસુરક્ષિત અને ભેળસેળયુક્ત અન્ન નષ્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હોટેલો, રેસ્ટોરાં અને ધાબાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ૮૯૦ તપાસ કરવામાં આવી હતી જેમાં ૩૨૯ને સુધારણા નોટિસ અને ૧૧૬નાં લાઇસન્સ નિલંબિત કરવામાં આવ્યાં હતાં.
પ્રતિબંધિત ખાદ્યપદાર્થો સામેની ઝુંબેશમાં FDAએ ૬૫૮ સંસ્થાનોમાંથી ૧૫,૧૧,૯૬,૬૬૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ૫૧૯ FIR નોંધવામાં આવ્યા છે, ૭૦૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ૪૦૭ સંસ્થાઓને સીલ કરવામાં આવી છે અને ૬.૬૦ કરોડની કિંમતનાં ૭૮ વાહનો જપ્ત કરાયાં છે.