હવે આયુર્વેદિક દવાના ઉત્પાદકો પર ત્રાટક્યું FDA

12 August, 2026 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩૫ યુનિટને નોટિસ, ૧૦ યુનિટનાં લાઇસન્સ રદ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ફૂડ અૅન્ડ ડ્રગ અૅડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ અેની તાજેતરની કાર્યવાહીમાં રાજ્યભરમાં આયુર્વેદિક દવાનાં ૪૩૪ મૅન્યુફૅક્ચરિંગ યુનિટનું નિરીક્ષણ કર્યું હતું, ૧૩૫ કંપનીઓને શો કૉઝ નોટિસ ઇશ્યુ કરી હતી અને દસનાં લાઇસન્સ ગંભીર ઉલ્લંઘન બદલ રદ કર્યાં હતાં. ઇન્સ્પેક્શન અભિયાન દરમ્યાન FDAના અધિકારીઓએ રાજ્યભરમાં અનેક યુનિટોમાં અસ્વચ્છ પરિસ્થિતિઓ, ટેક્નિકલ સ્ટાફની ગેરહાજરી અને અપૂરતા કાચા માલના પરીક્ષણ પ્રોટોકૉલ શોધી કાઢ્યા હતા. 
FDAના કમિશનર તુકારામ મુંઢેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આયુર્વેદિક દવાઓનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. ઉત્પાદકોએ ક્વૉલિટી સ્ટાન્ડર્ડ્‍સ અનુસાર દવાઓનું ઉત્પાદન કરવું આવશ્યક છે. જો આયુર્વેદિક દવાઓના ઉત્પાદકો આ જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’ 
FDAએ મૅન્યુફૅક્ચરિંગ પ્રિમાઇસિસ, ટેક્નિકલ મેનપાવર, ક્વૉલિટી કન્ટ્રોલ, બૅચ મૅન્યુફૅક્ચરિંગ રેકૉર્ડ, કાચા માલ અને ફિનિશ્ડ પ્રોડક્ટ ટેસ્ટિંગ રેકૉર્ડ, સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર, ડિસ્ટ્રિબ્યુશન રેકૉર્ડ, કમ્પ્લેઇન્ટ રજિસ્ટર, કૅલિબ્રેશન ઍન્ડ સ્ટેબિલિટી ડેટાની તપાસ કરી હતી.
FDA અનુસાર આમાંનાં કેટલાંક યુનિટ પ્રૉપર ટેક્નિકલ કર્મચારીઓ (ફાર્મસિસ્ટ)ની ગેરહાજરીમાં દવાઓનું ઉત્પાદન કરી રહ્યાં હતાં, ક્વૉલિટી કન્ટ્રોલ વિભાગો કાર્યરત નહોતા, આવશ્યક મશીનરી અને સાધનોનો અભાવ હતો, અસ્વચ્છ જગ્યાઓ, બૅચ અને કાચા માલના રેકૉર્ડમાં વિસંગતતાઓ અથવા ગેરહાજરી, લેબલ પર ખોટી ઉત્પાદન-તારીખો અને કાચા માલ અને તૈયાર ઉત્પાદનો માટે પરીક્ષણ-સુવિધાઓનો અભાવ હતો.

mumbai news mumbai food and drug administration tukaram mundhe ayurveda maharashtra government maharashtra news maharashtra