દૂધમાં થતી ભેળસેળ સામેના સપાટા પછી ઉત્પાદનમાં વીસથી પચીસ ટકાનો ઘટાડો

11 July, 2026 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

FDA મિનિસ્ટર નરહરિ ઝિરવળે વિધાનસભામાં કરી આ જાહેરાત

ફાઇલ તસવીર

રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેએ છેલ્લા થોડા દિવસથી રાજ્યભરમાં દૂધમાં ભેળસેળ કરતી ડેરીઓ પર સપાટો બોલાવ્યો છે. એનું પરિણામ એ આવ્યું છે કે કેટલુંય નકલી દૂધ બનતું બંધ થયું છે અને ઉત્પાદન ઘટ્યું છે.

વિધાનસભાના મૉન્સૂન સેશનના ગઈ કાલે છેલ્લા દિવસે વિધાનસભ્ય ગોપીચંદ પડળકરે દૂધના મુદ્દે કહ્યું હતું કે ‘એક ખેડૂતની ગમાણમાં એક પણ ગાય કે ભેંસ નહોતી તો પણ તે રોજનું ૧૫૦ લીટર દૂધ સંઘમાં મોકલતો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રમાં કે અન્ય જગ્યાએ આવેલા દૂધ સંઘમાં FDA દ્વારા કાર્યવાહી થઈ એ પહેલાં કેટલું દૂધ આવતું હતું અને એ કાર્યવાહી પછી કેટલો તફાવત પડ્યો એનો રેકૉર્ડ તપાસવો જોઈએ. મારા જિલ્લાના ઘણા દૂધ સંઘમાં કાર્યવાહી શરૂ થયા બાદ સાઇડ પ્રોડક્ટ બનાવવાનું હવે ઓછું થયું છે. દૂધમાં યુરિયા ભેળવનારા આ નરાધમો મહારાષ્ટ્રના કરોડો લોકોના જીવ સાથે રમે છે. જો તપાસમાં દૂધ સંઘના માલિકો દોષી જણાશે તો તેમના પર શું કાર્યવાહી કરવામાં આવશે?’

ગોપીચંદ પડળકરના એ સવાલ પર જવાબ આપતાં FDA મિનિસ્ટર નરહરિ ઝિરવળે કહ્યું હતું કે ‘જે દિવસથી ડિપાર્ટમેન્ટે ભેળસેળવિરોધી કડક કાર્યવાહી કરી છે ત્યારથી દૂધના કલેક્શનમાં વીસથી પચીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ જોતાં ભેળસેળનું પ્રમાણ સ્પષ્ટ થયું છે. તપાસના અંતે દોષી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.’

જાલના જિલ્લાના તીર્થપુરીમાં મેસર્સ મુંદડા ઇડસ્ટ્રીઝ નામની ઘી બનાવતી કંપનીની ફૅક્ટરી પર રેઇડ પાડીને ૧૩,૦૪,૫૪૯ રૂપિયાનું બનાવટી ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. આવી ભેળસેળ કરનારને જન્મટીપ કે પછી મૃત્યુદંડની શિક્ષા આપવા બાબતે નવો કાયદો કરશો? એવો સવાલ વિધાનસભ્ય પ્રકાશ સોળંકેએ કર્યો હતો. એના પર જવાબ આપતાં નરહરિ ઝિરવળે કહ્યું હતું કે ‘એ કંપની સામે કલમ ૨૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એ કાયદા હેઠળ એક લાખ રૂપિયાથી લઈને મૃત્યુદંડ સુધીની શિક્ષાની જોગવાઈ છે અને એ લાગુ કરવામાં આવશે. ભેળસેળ બાબતે અત્યારના કાયદા પણ કડક જ છે, ફક્ત એની અમલબજાવણી થતી નથી એટલે મુશ્કેલી ઊભી થાય છે. મુંદડા કંપનીના માલિકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.’ 

તાજેતરમાં FDAએ દૂધ-ઉત્પાદકો અને ડેરીઓ સામે કરેલી કાર્યવાહી

ચોથી અને પાંચમી જુલાઈએ મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં રેઇડ પાડીને ૧.૪૮ કરોડ રૂપિયાનાં ૨૦,૦૦૦ લીટર દૂધ અને મિલ્ક-પાઉડર પકડાયાં હતાં. પુણે, સોલાપુર, જાલના, અહિલ્યાનગર અને થાણેમાં એકસાથે રેઇડ પાડીને બનાવટી દૂધનું આખું રૅકેટ પકડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પાંચ ડેરી ઉદ્યોગ કરતી કંપનીઓનાં ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને ૪ કંપનીઓ બંધ કરાવવામાં આવી હતી.

૬ જુલાઈએ નાશિકમાં ૧૭ લાખ રૂપિયાનાં ભેળસેળયુક્ત દૂધ અને મિલ્ક-પાઉડર પકડાયાં હતાં.

૯ જુલાઈએ દહિસર-ઈસ્ટમાંથી બ્રૅન્ડેડ દૂધમાં પાણી ભેળવીને વેચાતું ૪૭૦ લીટર દૂધ પકડાયું હતું. ઘાટકોપરમાં ગૌતમ દુગ્ધાલયમાંથી ૧૬૦ લીટર બાસુંદી, ૨૧૦ લીટર દૂધ અને ૧૬૦ લીટર આઇસક્રીમ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

આ સિવાય તાજેતરમાં જ છત્રપતિ સંભાજીનગરમાંથી ૩૫૦૦ લીટર દૂધ, લાતુરમાંથી ૭૫૦૦ લીટર દૂધ અને દૂધની બનાવટો તેમ જ શિર્ડીમાં ટ્રાન્સપોર્ટ થઈ રહેલા દૂધનાં બાવીસ ટૅન્કરોનું દૂધ નષ્ટ કરવામાં આવ્યાં હતાં.

food and drug administration maharashtra news maharashtra mumbai mumbai news