✕

મહારાષ્ટ્ર પર જળસંકટ, આખા રાજ્યમાં ૧૬ ઑક્ટોબરથી ૧૦ ટકા પાણીકાપ

06 October, 2026 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા ચોમાસા સુધી પાણી ચાલી રહે એ માટે તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણીકાપ લાગુ

પ્રતીકાત્મક તસવીર

હવામાન ખાતાએ પહેલાં જ કરેલી આગાહી મુજબ આ વર્ષે ચોમાસું નબળું રહેતાં જોઈએ એટલો વરસાદ ન પડતાં દુકાળની પરિસ્થિતિ ન ઉદ્ભવે એટલા માટે મહારાષ્ટ્ર સરકારે આખા મહારાષ્ટ્રના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ૧૦ ટકા પાણીકાપ લાદવાનો નિર્ણય લીધો છે. આ પાણીકાપ ૧૬ ઑક્ટોબરથી લાગુ થશે એવી માહિતી ગઈ કાલે મહારાષ્ટ્રના જળસ્રોત ખાતાના પ્રધાન ગિરીશ મહાજને આપી હતી. 
રાજ્યના તમામ ડૅમમાં પાણીનું સ્તર કેટલું છે અને કેટલો ઉપયોગ થાય છે એ વિશે વિસ્તૃત જાણકારી મેળવીને યોજના તૈયાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નિવેદન ગિરીશ મહાજને આપ્યું હતું. રાજ્યમાં આગામી ચોમાસું ન બેસે ત્યાં સુધી દુકાળની પરિસ્થિતિ ન જન્મે અને ૨૦૨૭ની ૩૧ ઑગસ્ટ સુધી લોકોને પાણી મળી રહે એ વાતને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. 

પાણી લીક થતું રોકો, સીવેજ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પણ બધા જ તૈયાર રાખો
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફક્ત પાણીકાપ લાદવા ઉપરાંત બધાં જ મ્યુનિસિપલ કૉર્પોરેશનોને એમના વિસ્તારોમાં જ્યાં-જ્યાં પાણીનું ગળતર થતું હોય કે બગાડ થતો હોય એ રોકવા માટે પગલાં લેવાનો તથા તમામ સીવેજ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમની ફુલ કૅપેસિટીમાં કામ કરી શકે એ રીતે તૈયાર રાખવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે જેથી ટ્રીટમેન્ટ બાદ સ્વચ્છ કરાયેલા પાણીને વપરાશમાં લઈ શકાય. જોકે પીવાના પાણીનો બગાડ ન થાય અને લોકો સુધી એને ઉપલબ્ધ કરાય એ વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

બધા જ ડિપાર્ટમેન્ટ લાગ્યા કામે 
પાણીનો બગાડ ન થાય, રીસાઇક્લિંગ વગેરે બધી જ બાબતો માટે સરકારના બધા જ ડિપાર્ટમેન્ટને તૈયારી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ માટે જળસ્રોત ખાતું, મહેસૂલ ખાતું, કૃષિ ખાતું, ઉદ્યોગ તથા શહેરી વિકાસ વિભાગને એકમેક સાથે સુમેળ સાધીને કામ કરવાનો આદેશ આપી દેવાયો છે અને આ દિશામાં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગેરકાયદે રીતે ડૅમ, નદીઓ અને નહેરોમાંથી પાણી ઉલેચનારાઓ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે અને એમના પમ્પ સહિતનાં ઉપકરણો જપ્ત કરીને દોષીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

ઇન્ડસ્ટ્રીઓને પણ ૩૦ ટકા પાણી રીસાઇકલ કરવાની સૂચના 
નિવેદનમાં જણાવાયા મુજબ બધી જ ઇન્ડસ્ટ્રીઓને એ લોકો જેટલું પણ પાણી ઉપયોગમાં લે એનું ૩૦ ટકા પાણી રીસાઇકલ કરે એવી સૂચના આપવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીઓ ઉપરાંત બધાને જ પાણીનો થાય એટલો ઓછો ઉપયોગ કરવાની તથા બગાડ ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે. 

મહારાષ્ટ્ર પર તોળાતા દુકાળનાં વાદળો વિશે ચર્ચા કરવા એકનાથ શિંદે મળ્યા નરેન્દ્ર મોદીને

નબળા ચોમાસાના કારણે જળસંકટ ઊભું થાય એવી પરિસ્થિતિ હોવાના કારણે દિલ્હી ગયેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વિવિધ મુદ્દાઓ એમાં મુખ્યત્વે દુકાળના કારણે સંભવિત ઊભી થનારી સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકાર આ પરિસ્થિતિમાંથી મહારાષ્ટ્રને ઉગારે એવી અપેક્ષા તેમણે પોતાની મુલાકાત વખતે વ્યક્ત કરી હતી. મુલાકાત પૂરી થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રાજ્યના જે વિસ્તારોમાં દુકાળની ગંભીર અસર થવાની શક્યતા છે એની મુલાકાતે કેન્દ્ર સરકાર તરફથી એક ટીમ મોકલાવશે અને સર્વેક્ષણ કરશે એમ જણાવ્યું હતું. 
રાજ્યના ખેડૂતોની દિવાળી કાળી ન થાય એવું આશ્વાસન આપતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે વડા પ્રધાન સાથે મહારાષ્ટ્રના દુકાળ બાબતે વાત થઈ ત્યારે તેમણે મહારાષ્ટ્રને બને એ બધી જ મદદ કરશે એવું આશ્વાસન આપ્યું છે. જોકે આ ઉપરાંત પ્રધાન મંડળના વિસ્તરણની ચર્ચા માટે એકનાથ શિંદે વડા પ્રધાનને મળ્યા હોય એવું પણ ચર્ચાઈ રહ્યું છે.

mumbai news mumbai Water Cut mumbai water levels brihanmumbai municipal corporation