એકનાથ ખડસે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે જામ્યું શાબ્દિક યુદ્ધ

26 November, 2014 05:43 AM IST  | 

એકનાથ ખડસે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે જામ્યું શાબ્દિક યુદ્ધ




મરાઠવાડામાં દુકાળને લઈને મહેસૂલપ્રધાન એકનાથ ખડસે અને શિવસેનાના પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરે વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ જામ્યું છે અને બન્ને નેતાઓ એકબીજાથી ચડિયાતા પુરવાર થવા માટે એક પછી એક નિવેદનો આપી રહ્યા છે. આમેય શિવસેના અને BJPની યુતિને તૂટવા માટે ઉદ્ધવ ઠાકરે એકનાથ ખડસેને પહેલાં વિલન બતાવી ચૂક્યા છે એથી તેઓ ખડસેની વિરુદ્ધ બોલવાનો એક પણ મોકો નથી ચૂકતા.

અકોલામાં એકનાથ ખડસેના નિવેદન ‘ખેડૂતો પાસે મોબાઇલનું બિલ ભરવાના પૈસા છે, પરંતુ વીજળીનું બિલ ભરવાના પૈસા નથી’ વિશે ઉદ્ધવ ઠાકરેએ આકરી ટીકા કરતાં ખડસેએ એનો પ્રત્યુત્તર ગઈ કાલે આપ્યો હતો. મુંબઈમાં એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં એકનાથ ખડસેએ જણાવ્યું હતું કે ‘જેમને ખેતીનું કોઈ જ્ઞાન નથી અને મગફળી જમીનની અંદર ઊગે છે કે બહાર એની પણ જાણ નથી એવા લોકો એક ખેડૂતના પુત્રને ખેતી શીખવાડી રહ્યા છે. ઉદ્ધવે મારું નિવેદન બરાબર સાંભળ્યું નહોતું અને માત્ર ટીવી પર સાંભળીને પ્રતિક્રિયા આપી છે. તેઓ શું કહે છે? મારી સરખામણી કોની સાથે કરે છે એ તેમણે જોવાનું છે. મારે એની સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ હું પોતે એક ખેડૂતનો પુત્ર છું અને મેં ઘણાં વષોર્ ખેતી કરી છે. આજે પણ મારું ઘર ખેતરમાં છે. વીજળીના બિલ વિશે મારા નિવેદનનો જુદો અર્થ કરવામાં આવ્યો છે. મુદ્દલ ભરવામાં સવલત અને પૈસા ભરવામાં હપ્તા પાડી આપવાનું પણ મેં કહ્યું હતું, પરંતુ એ કોઈને દેખાયું નહીં.’

આ તો શરદ પવાર જેવી ભાષા : ઉદ્ધવ

ગઈ કાલે બે દિવસના મરાઠવાડાની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ મીડિયાને સંબોધતાં એકનાથ ખડસેને જવાબ આપતાં કહ્યું હતું કે ‘સોમવારે તેઓ અજિત પવારની ભાષા બોલતા હતા, પણ ગઈ કાલે તેઓ NCPના પ્રેસિડન્ટ શરદ પવારની ભાષામાં બોલતા હતા. ખડસેની મગફળી સાથે મારે કોઈ લેવાદેવા નથી, પણ હું તો અહીં ખેડૂતોના પ્રશ્નો માટે આવ્યો છું. મરાઠવાડામાં સ્થિતિ ગંભીર છે. લોકસભાની ચૂંટણી વખતે ઘણા નેતાઓ વિશેષ લહેરમાં આવ્યા હતા પણ તેઓ ગયા એટલે લહેર ઓસરી ગઈ છે. હવે તેઓ લોકોને ભૂલી ગયા છે.’

ખડસેએ જાહેર કરેલી રાહતો

દુકાળગ્રસ્ત વિસ્તારોમાં ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા-ફી માફ કરવામાં આવશે, પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં વીજળીનાં બિલોમાં ૩૩ ટકા રાહત આપવામાં આવશે, દુકાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોનાં વીજળી કનેક્શનો કાપી નાખવામાં નહીં આવે અને તેમનાં વીજળીનાં બિલોની ચુકવણીમાં તેમને રાહત આપવામાં આવશે અને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીનાં ટૅન્કરો પૂરાં પાડવામાં આવશે.

સુંઠીવાચૂન ખોકલા જાઇલ


કહ્યું કે BJPની સાથે શિવસેના આવી જાય તો સરકારની કાયમી કચ-કચ મટી જાય

મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર માટે BJP અને શિવસેનાએ સાથે આવવું કે કેમ એ તેમનો પ્રશ્ન છે, પરંતુ એ બન્ને પાર્ટી યુતિ કરી લે તો ‘સુંઠીવાચૂન ખોકલા જાઈલ’ (સૂંઠ આરોગવાથી ખાંસી મટશે) એવા શબ્દોથી NCPના ચીફ શરદ પવારે ગઈ કાલે આ બન્ને પાર્ટી એક થાય તો કાયમની પૉલિટિકલ કચ-કચ મટી જશે એવો અભિપ્રાય આપ્યો હતો.

દિવંગત ચીફ મિનિસ્ટર યશવંતરાવ ચવાણની ૩૦મી વરસીએ કરાડના એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પવારે સરકાર વિશેની ખટપટના મામલે કહ્યું હતું કે ‘છેલ્લા એક મહિનાથી સરકારમાં ભાગીદારી માટે બન્ને પાર્ટી વચ્ચે માત્ર વાટાઘાટો ચાલતી હોવાની વાતો જ સંભળાય છે, નિર્ણય લેવાતો જ નથી. અમારી પાર્ટીએ ફડણવીસ સરકારને આપેલો ટેકો સ્થિર સરકાર માટે જ છે, પરંતુ શિવસેના સરકારમાં આવી જાય તો પૉલિટિકલ કચ-કચ મટી જાય અને લોકોનાં કામ થાય.’

પવારે કહ્યું હતું કે ‘BJP ની સરકારને અમારો ટેકો ન જોઈતો હોય તો પણ અમે વિરોધ પક્ષના નેતાપદ માટે દાવો નથી કરવાના કેમ કે આ માટે હાઉસમાં જરૂરી સંખ્યાબળ અમારું નથી, પરંતુ રાજ્યમાં દુકાળની સ્થિતિ ભયંકર થતી જાય છે. સરકારે વહેલી તકે ખેડૂતો અને દુકાળગ્રસ્તોની મદદ માટે કામ શરૂ કરી દેવું જોઈએ.’

કહેવાય છે કે પવારે સામેથી સરકારને ટેકો આપવાનો દાવ તો ખેલ્યો, પરંતુ BJP  તેને ભાવ આપતી નથી, જેથી પવારની પાર્ટીના સિનિયર નેતાઓ નારાજ છે એથી જ પવારે આવું વિધાન કર્યું છે.