વરસાદને કારણે રાજ્યમાં અનેક જગ્યાએ પરિસ્થિતિ બની ગંભીર

12 July, 2022 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના ઘણા વિસ્તારો પાણીમાં : નાગપુરમાં મા-દીકરી તણાઈ ગયાં : પાલઘર, નાશિક, પુણેમાં આવતા ચાર દિવસ જ્યારે ગઢચિરોલીમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

જોરદાર વરસાદને પગલે નાશિકમાં ગોદાવરી નદીના પટમાં આવેલાં મંદિરો પાણીની નીચે ચાલ્યાં ગયાં છે. (તસવીર : પી. ટી. આઇ.)

મુંબઈમાં વરસાદે પોરો ખાધો છે અને છૂટાંછવાયાં હળવાં ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી ભરાય ગયા છે. નાગપુરમાં મા-દીકરી તણાઈ જવાની ઘટના બની હતી. વેધશાળાએ નાશિક, પુણે, પાલઘરમાં આવતા ચાર દિવસ જ્યારે ગઢચિરોલીમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ અલર્ટ જાહેર કરી છે. ગઢચિરોલીમાં પૂર આવતાં ત્રણ વ્યક્તિ ગુમ થઈ છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ગઢચિરોલી જઈને પૂરનો અંદાજ લીધો હતો અને અસરગ્રસ્તોને પૂરતી સહાય આપવામાં આવે એવી ગોઠવણ કરવાનો આદેશ અધિકારીઓને આપ્યો હતો.

ગઈ કાલે નાશિક જિલ્લાના પેઠમાં ૧૬૮ મિ.મી., સુરગણામાં ૧૪૦.૫ મિ.મી., ઇગતપુરીમાં ૧૦૩ મિ.મી. અને ત્ર્યંબકેશ્વરમાં ૯૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. નાશિકનો ગંગાપુર ડૅમ આ ત્રણ દિવસના વરસાદમાં જ ૫૫ ટકા ભરાઈ ગયો છે. ગોદાવરીમાં પાણીની આવક વધતાં ગંગાપુર ડૅમમાંથી ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એને કારણે નાશિકમાં ગોદાવરી નદીના પટમાં આવેલાં મંદિરો પાણીની નીચે ચાલ્યા ગયાં છે.

જળગાવ જિલ્લામાં પણ વરસાદનું જોર રહેતાં તાપી નદી પર આવેલા હતનુર ડૅમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જોકે એ પહેલાં નીચાણવાળા વિસ્તારો અને આજુબાજુનાં ગામડાંઓના લોકોને સુર​િક્ષત સ્થળે જવાનું કહેવામાં આવ્યું હતું. દમણગંગા નદીમાં પણ પૂર આવ્યાં છે.

નાગપુરના હિંગણામાં રવિવારે રાતે એક મેઇન નાળું ઓવરફ્લો થતાં ૪૦ વર્ષની સુકમીબાઈ મ્હાત્રે અને તેની ૧૭ વર્ષની દીકરી અર્ચના તણાઈ ગયાં હતાં. નાગુપરની એમઆઇડીસી 
પોલીસને માતાનો મૃતદેહ ગઈ કાલે મળી આવ્યો હતો, જ્યારે દીકરીની શોધ ચાલુ હતી.

પુણેના જાણીતા બાર જ્યોતિર્લિંગમાંના એક ​ભીમાશંકરમાં ગઈ કાલે બે વખત એક વાર પરોઢિયે અને બીજી વાર બપોરે ભેખડો ધસી પડી હતી. જોકે એ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના કે કોઈના ઘાયલ થવાના અહેવાલ નથી. જોકે ભેખડો પડવાને કારણે તળેટીના ઘોડેગાવથી ભીમાશંકરનો રસ્તો થોડી વાર માટે બ્લૉક થઈ ગયો હતો. એ પછી વહેલી તકે માટી દૂર કરીને એક લેન યાત્રા‍ળુઓનાં વાહનો માટે ખુલ્લી કરવામાં આવી હતી અને એના પરથી બંને તરફનો વાહનવ્યવહાર ધીમે-ધીમે ચાલુ કરાયો હતો.

રત્નાગિરિ જિલ્લામાં પણ વરસાદે જોરદાર બૅટિંગ કરતાં ૩૦ જેટલા ડૅમ ઓવરફ્લો થઈ ગયા છે. લોકોમાં એક વાતનો આનંદ પણ છે કે આ વર્ષે પાણીની અછતનો સામનો નહીં કરવો પડે.

mumbai mumbai news mumbai monsoon mumbai rains