29 April, 2025 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહેલી મેના રોજ મહારાષ્ટ્ર દિવસની ઉજવણી દરમ્યાન અનિચ્છનીય બનાવ ટાળી શકાય એ માટે મુંબઈ પોલીસે ઍડ્વાઇઝરી જાહેર કરી છે. દાદર, શિવાજી પાર્ક, માહિમ, વરલી વિસ્તારોમાં કોઈ પણ જાતની ફ્લાઇંગ ઍક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૩૦ એપ્રિલની મધરાતે ૧૨ વાગ્યાથી પહેલી મેની રાતના ૧૨ વાગ્યા સુધી એમ ૨૪ કલાક સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એમ મુંબઈ પોલીસના ઑપરેશન્સ વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) અકબર પઠાણે જણાવ્યું હતું.
શિવાજી પાર્કમાં મહરાષ્ટ્ર દિવસ નિમિત્તે પરેડ યોજવામાં આવશે. એથી શિવાજી પાર્કને જોડતા તમામ માર્ગ પર પહેલી મેએ સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે. આ સિવાય મહારાષ્ટ્ર દિવસનો કાર્યક્રમ જોવા આવેલા લોકો દાદર-વેસ્ટમાં પ્લાઝા સિનેમા પાસે જે. કે. સાવંત રોડ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપાલિટી કૉર્પોરેશન (BMC)ના પાર્કિંગ લૉટમાં કાર પાર્કિંગ કરી શકશે, જેના માટે કાર-પાસની જરૂર રહેશે નહીં.