બુલઢાણામાં આરોપીને ફાંસી થતાં પોલીસ-સ્ટેશનને દુલ્હનની જેમ શણગારાયું

15 August, 2020 07:37 AM IST  |  Buldhana | Agencies

બુલઢાણામાં આરોપીને ફાંસી થતાં પોલીસ-સ્ટેશનને દુલ્હનની જેમ શણગારાયું

શણગારેલું પોલીસ સ્ટેશન

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક વર્ષ પહેલાં સગીર બાળા પર ગૅન્ગરેપ કરનાર યુવાનોમાંના બે જણને ગુરુવારે મોતની સજા થતાં સંબંધિત વિસ્તારના પોલીસ-સ્ટેશને રોશની કરવામાં આવી હતી અને ઉજવણી જેવું વાતાવરણ સર્જાયું હતું.

બુલઢાણાની સ્પેશ્યલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગુરુવારે બે આરોપીને ફાંસીની સજા સંભળાવતાં ચીખલી પોલીસ-સ્ટેશનને લાઇટની રોશની વડે શણગારવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ૨૦૧૯ની ૨૬ એપ્રિલે પોતાનાં માતાપિતા સાથે સડક પર સૂતેલી ૯ વર્ષની બાળાને બે યુવકોએ ઉપાડી લીધી હતી અને સૂમસામ જગ્યાએ લઈ જઈને તેના પર ગૅન્ગરેપ કર્યો હતો. પીડિતા બાળાના પિતાએ પુત્રી ગુમ થઈ હોવાની કરેલી ફરિયાદ પરથી પોલીસે તપાસ કરી હતી અને ત્યાર બાદ વિશ્વનાથ બોરકર અને નિખિલ ગોલાઈતને ઝડપી લીધા હતા. બન્નેએ ગૅન્ગરેપની કબૂલાત કરી હતી. આ ઘટના બનતાં સમગ્ર બુલઢાણા જિલ્લામાં નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ બળાત્કારીઓને ઝડપી લેવાની માગણી સાથે મોરચા કાઢ્યા હતા. એક દિવસ તો આખા શહેરે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.

ગુરુવારે આ કેસની અંતિમ સુનાવણીમાં કોર્ટે બન્ને આરોપીઓને ફાંસીની સજા ફરમાવી હતી. પીડિતાની તબીબી સારવાર કરાવનાર મહિલા સામાજિક કાર્યકરે કહ્યું કે આ બાળા પર બે સર્જરી કરવી પડી હતી ત્યારે માંડ-માંડ એ ઊગરી હતી. આજે એ બાળા અને તેને નવજીવન આપનાર સામાજિક કાર્યકર પ્રાર્થના કરે છે કે આ બાળા પર વીતી એવી કોઈ અન્ય બાળા પર ન વીતે. સ્પેશ્યલ કોર્ટે કરેલી સજા સામે ઉપલી અદાલતમાં અરજી કરવાની પરવાનગી કોર્ટે આપી છે કે નહીં એ સ્પષ્ટ થયું નહોતું, પરંતુ સમગ્ર બુલઢાણા શહેરમાં હર્ષની લહેરખી ફરી વળી હતી અને લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

maharashtra mumbai mumbai news Crime News