સાંજના પાંચથી રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધીમાં ૭.૮૩ ટકા મતદાન કઈ રીતે વધી શકે?

29 November, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય કૉન્ગ્રેસના અધ્યક્ષે ચૂંટણીપંચ પાસે જવાબ માગ્યો, કહે છે કે અમે કાયદાકીય લડત સાથે રસ્તા પર પણ ઊતરીશું

નાના પટોલે

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અ‌ધ્યક્ષ નાના પટોલેએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ લઈને ચૂંટણીપંચ પર આરોપ મૂક્યો હતો કે રાજ્યમાં સાત ટકા મતદાન કઈ રીતે વધી ગયું? તેમણે ઇલેક્શન કમિશન પાસે એનો જવાબ માગ્યો હતો.

પટોલેએ કહ્યું હતું કે ‘૨૦ નવેમ્બરે સાંજે પાંચ વાગ્યે મતદાનની ટકાવારી ૫૮.૨૨ હતી જે રાત્રે ૧૧.૩૦ વાગ્યે ૭.૮૩ ટકા વધીને ૬૬.૦૫ કેવી રીતે થઈ? આ ફરક શું કામ છે એ ઇલેક્શન કમિશને ચૂંટણીની પારદર્શકતા માટે જાહેર કરવું જોઈએ. જો એવું નહીં થાય તો એ ચૂંટણીપંચની કાર્યપદ્ધિતિ સામે પ્રશ્ન ઊભો કરશે. આ તો લોકોના મતની ચોરી કહેવાય. આ વાત લોકો સમક્ષ પહોંચાડવા કાયદાકીય લડતની સાથે અમે રસ્તા પર પણ ઊતરીશું. જે જગ્યાએ રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી મતદાન ચાલતું હતું ત્યાંના ફોટો પણ ચૂંટણીપંચે જાહેર કરવા જોઈએ.’

જ્યારથી મહા વિકાસ આઘાડીનો આ ચૂંટણીમાં રકાસ થયો છે ત્યારથી એની ત્રણેય પાર્ટી ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં કંઈ ગરબડ થઈ હોવાની શંકા વ્યક્ત કરી રહી છે, પણ હજી સુધી તેમના તરફથી કૉન્ક્રીટ પુરાવા રજૂ કરવામાં નથી આવ્યા. 

mumbai news mumbai congress maharashtra news maharashtra political crisis political news maharashtra assembly election 2024 assembly elections