દરિયાનાં પાણીના બદલાતા રંગની કુદરતી કરામત

18 December, 2020 08:28 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

દરિયાનાં પાણીના બદલાતા રંગની કુદરતી કરામત

શેવાળને કારણે દરિયાકાંઠાની નજીક પાણી વાદળી-લીલું દેખાય છે

મહારાષ્ટ્રના પ્રકૃતિપ્રેમીઓ છેલ્લા કેટલાક દિવસથી દરિયામાં રચાતી કુદરતની કરામતનો લહાવો લઈ રહ્યા છે. દરિયામાં જાણે ચમત્કાર સર્જાયો હોય એમ રાતના સમયે કાંઠાની કેટલીક જગ્યાઓએ દરિયાનું પાણી વાદળી રંગ ધારણ કરે છે તો સવારે એ પાણી લીલાશ પડતું દેખાય છે.

નિષ્ણાતોના મતે દરિયાના બદલાતા રંગો શેવાળ ઊગવાને કારણે સર્જાતી બાયોલ્યુમિનેસન્સ તરીકે ઓળખાતી સ્થિતિને આભારી છે.

સમુદ્રી સંશોધક માહી માનકેશ્વરે જણાવ્યું હતું કે રાજ્યના કાંઠે ઊગેલી શેવાળ સૌપ્રથમ નવેમ્બરના પ્રારંભમાં કર્ણાટકમાં જોવા મળેલી શેવાળનો જ ભાગ છે અને દરિયાનાં મોજાંના કારણે એ અહીં પહોંચી છે.

માનકેશ્વરે જણાવ્યું હતું કે ‘પ્લેન્ક્ટન (નદી, સમુદ્રમાં તરતા સેન્દ્રિય પદાર્થનો સમૂહ)ની ક્ટિલ્યુકા સિન્ટિલન્સ નામની પ્રજાતિને કારણે આવું થાય છે. લગભગ છેલ્લા બે દાયકાથી આ ચોક્કસ પ્રજાતિ અરબી સમુદ્રમાં વિસ્તરી રહી છે અને હવે આ શેવાળ પાંગરવાની ઘટના લગભગ નિયમિતપણે મોસમી બની ગઈ છે. આ પાછળનું એક કારણ એ છે કે ગ્લોબલ વૉર્મિંગના કારણે થયેલા ફેરફારોને કારણે અરબી સમુદ્રનાં પાણી આ પ્રજાતિ માટે અનુકૂળ થયાં છે અને એણે પ્લેન્ક્ટનની મૂળ અહીંની વધુ તંદુરસ્ત પ્રજાતિઓનું સ્થાન લીધું છે.’

બીજી તરફ લીલા અને વાદળી રંગના સમુદ્રનું દૃશ્ય નયનરમ્ય ભાસતું હોવા છતાં નિષ્ણાતોના જણાવ્યા મુજબ માછલી માટે એ હાનિકારક છે.

નિષ્ણાતે આ વિશે જણાવ્યું હતું કે ‘શેવાળ ઝડપથી ઊગવા માંડે છે અને એ ડાયટમ્સ અને અન્ય પ્લેન્ક્ટોનિક પ્રજાતિઓ પર નભે છે, જે આ પ્રદેશમાં માછલીઓનો મુખ્ય આહાર છે. શેવાળવાળું પાણી દુર્ગંધ મારે છે, જેથી માછલીઓ દૂર જતી રહે છે. શેવાળ ઑક્સિજનનો સ્તર ઘટાડે છે. આમ દરિયાઈ જીવસૃષ્ટિ પર એની ગંભીર અસર પડી શકે છે.’

maharashtra ratnagiri ranjeet jadhav