નથી હની, નથી ટ્રૅપ

20 July, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૨ ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓને હની-ટ્રૅપમાં ફસાવવામાં આવ્યા છે એવા આક્ષેપ પછી વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...

દેવેન્દ્ર ફડણવીસ

વિધાનસભામાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ હની-ટ્રૅપના મુદ્દે રજૂઆત કરીને રાજ્યની મહત્ત્વની કૉન્ફિડેન્શિયલ ફાઇલો પગ કરી જતી હોવાનો આક્ષેપ કર્યો છે. એક-બે નહીં પણ ૭૨ ઉચ્ચ સરકારી અધિકારીઓ અને રાજકારણીઓને હની-ટ્રૅપમાં ફસાવીને આ કાંડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નાના પટોલેએ કહ્યું હતું કે ‘નાશિકના એક ઉચ્ચ અધિકારીએ, નવી મુંબઈની એક વ્યક્તિએ અને થાણેની એક વ્યક્તિએ આ બાબતે ફરિયાદ કરી છે. થાણે ક્રાઇમ બ્રાન્ચમાં આ ફરિયાદ કરાઈ હોવાનો દાવો કરીને એ બાબતે ગુપ્તતા સાથે તપાસ ચાલુ થઈ છે એમ પણ કહેવાઈ રહ્યું છે.’

જોકે આ સંદર્ભે ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું હતું કે ‘હાલ વિધાનસભામાં હની-ટ્રૅપની ચર્ચા થાય છે, પણ એમાં નથી હની કે નથી ટ્રૅપ. નાના પટોલેએ સભાગૃહમાં પેન ડ્રાઇવ દેખાડીને બૉમ્બ લાવ્યા હોવાનું કહેવાઈ રહ્યું હતું, પણ નાનાભાઉનો બૉમ્બ અમારા સુધી તો આવ્યો જ નહીં. તેમણે ગૃહપ્રધાનને એ પેન ડ્રઇવ પહોંચાડી જ નહીં. કોઈ પણ હાલના કે ભૂતપૂર્વ પ્રધાન વિરુદ્ધ હની-ટ્રૅપ બદલ ફરિયાદ નોંધાઈ નથી.’  

જોકે બીજી તરફ રાજ્યના હોમ અફેર્સ મિનિસ્ટર યોગેશ કદમે ગુરુવારે વિધાનસભામાં કહ્યું હતું કે ‘આ બાબતને કોઈ સત્તાવાર કન્ફર્મેશન મળ્યું નથી. કોઈ પણ પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ નોંધવામાં આવી નથી. મીડિયામાં જે અહેવાલ આવી રહ્યા છે એ પાયાવિહોણા છે. એવું લાગી રહ્યું છે કે આ સરકારને બદનામ કરવાનું કાવતરું છે. જો કોઈની પાસે એના પુરાવા હોય તો રજૂ કરે. રાજકારણ અફવાની બજાર પર ચાલતું નથી.’

નાના પટોલેએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યના પ્રધાનને હની-ટ્રૅપમાં ફસાવવામાં આવી રહ્યા છે અને એને કારણે રાજ્યની ગુપ્ત માહિતી બહાર જઈ રહી છે.’ 
એ સામે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હાલ વાતાવરણ એવું થઈ ગયું છે કે બધા જ પ્રધાનો એકબીજા સામે શંકાની નજરે જોવા લાગ્યા છે. આ હની-ટ્રૅપમાં કોણ ફસાયું છે એવો સવાલ બધાને થઈ રહ્યો છે. હાલના કે ભૂતપૂર્વ કોઈ પણ પ્રધાને હની–ટ્રૅપની ફરિયાદ કરી નથી અથવા એના પુરાવા પણ નથી. આ પ્રકારની એક ફરિયાદ નાશિકમાંથી આવી હતી. એક મહિલાએ ઉપજિલ્લા અધિકારી સામે આ રીતની ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પણ તેણે પાછી ખેંચી હતી.

હની-ટ્રૅપના મામલે જે હોટેલનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે એ હોટેલનો માલિક કૉન્ગ્રેસનો ઉમેદવાર રહી ચૂક્યો છે. આરોપ કરવા પણ આ માટે મજબૂત પુરાવા હોવા જોઈએ.’

અધિકારીઓને કઈ રીતે ફસાવાય છે?

એવા દાવા કરાઈ રહ્યા છે કે નાશિકની હોટેલમાં ફાઇવસ્ટાર ફૅસિલિટી ઊભી કરાઈ છે અને એમાં ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓને લઈ જવાય છે. ત્યાં લલનાઓ સાથે તેમના કઢંગી હાલતના ફોટો અને વિડિયો પાડી લેવાય છે અને એ પછી તેમને બ્લૅકમેઇલ કરીને મહત્ત્વની સરકારી ફાઇલો અને કૉન્ફિડેન્શિયલ વિગતો મેળવી લેવાય છે.

devendra fadnavis maharashtra government maharashtra maharashtra news mumbai mumbai news