01 March, 2025 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે, મુખ્ય પ્રધાનના કાર્યાલય પર બૉમ્બ હુમલાની ધમકી આપવામાં આવી છે. આ વોટ્સઍપ મેસેજ મળ્યા બાદ રાજ્યમાં હલચલ મચી ગઈ છે.
મુંબઈ પોલીસને મળ્યો મેસેજ
મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યો સંદેશ મુંબઈ ટ્રાફિક પોલીસને વોટ્સઍપ પર મળ્યો હતો. આ સંદેશ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ થઈ છે. આ સંદેશ એક પાકિસ્તાની નંબર પરથી મોકલવામાં આવ્યો હોવાનું જાણવામાં મળ્યું છે. ધમકીના સંદેશ પછી મુંબઈ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
પોલીસની તપાસ અને સુરક્ષા વ્યવસ્થા
વોટ્સઍપ દ્વારા મળેલા સંદેશને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ સંદેશ મોકલનાર વ્યક્તિ અને તેના લૉકેશનની તપાસ કરી રહ્યું છે. આ સંદેશ પાકિસ્તાનના કયા ભાગથી મોકલવામાં આવ્યો છે તે જાણવાનો પણ પ્રયાસ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર પોલીસ અને કેન્દ્રિય ગૃહ મંત્રાલયના સુરક્ષા વિભાગને આ મુદ્દે જાણ કરવામાં આવી છે. આ મામલે બંને સંસ્થાઓ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.
રાજ્યમાં સુરક્ષા વધારાઈ
આ પ્રકારની ધમકીઓ મળ્યા બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસ વિભાગ સતત આ મામલે તપાસ કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન કાર્યાલય તેમજ અન્ય સરકારી સ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે.
પહેલાં પણ આવી ચૂક્યાં છે ધમકીભર્યા સંદેશ
આ પહેલા પણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને મુંબઈ પોલીસને વિદેશી નંબરોથી આવા ધમકીભર્યા સંદેશ મળ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કારને બૉમ્બથી ઉડાવીને તેમને જાનથી મારી નાખવાની ધમકીવાળી ઈ-મેઇલ ગોરેગાંવ પોલીસ-સ્ટેશન, જે. જે. માર્ગ પોલીસ-સ્ટેશન અને મંત્રાલયના કન્ટ્રોલ-રૂમને મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. એ ઈ-મેઇલ કોણે મોકલી છે એ શોધવા સાઇબર પોલીસ સહિત મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કામે લાગી ગઈ હતી. આ ધમાલ દરમિયાન એકનાથ શિંદે દિલ્હીનાં નવાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનારાં રેખા ગુપ્તાના શપથ-સમારોહમાં હાજરી આપવા દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે દિલ્હીમાં હતા. એ ધમકીને ન ગણકારતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું આવી ધમકીઓથી ગભરાતો નથી. આ પેહલા પણ જાન્યુઆરી મહિનામાં ડેપ્યુટી સીએમ શિંદેને આવી ધમકી મળી ચૂકી છે.
મુંબઈમાં આવી ધમકીઓની ઘટના દિવસે-દિવસે વધી રહી છે
તાજેતરમાં મુંબઈની એક શાળાને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં રાયન ગ્લોબલ સ્કૂલને ઈમેલ દ્વારા અજાણી વ્યક્તિએ આવી ધમકી મોકલી હતી. ઘટના વિષે શાળાના સંચાલકોને જાણ થતા સ્થાનિક પોલીસ અને બૉમ્બ સ્કવૉડને સંપર્ક કરવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, પોલીસ અને બૉમ્બ સ્કવૉડ તાત્કાલિક શાળાના પરિસરમાં પહોંચી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને પ્રાથમિકતા આપતા તરત જ સમગ્ર શાળાને ખાલી કરાવવામાં આવી હતી.