મંગળવારથી કેમિસ્ટ શૉપ ત્રણ દિવસ માટે બંધ

12 October, 2012 03:40 AM IST  | 

મંગળવારથી કેમિસ્ટ શૉપ ત્રણ દિવસ માટે બંધ



ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ની જોહુકમીના વિરોધમાં રાજ્યના ૫૦,૦૦૦ કેમિસ્ટો અને આશરે ૧૦,૦૦૦ હોલસેલરો તથા ડિસ્ટ્રિબ્યુટરો ૧૬થી ૧૮ ઑક્ટોબર દરમ્યાન તેમની દુકાનો બંધ રાખવાના છે. ૧૫ ઑક્ટોબરની મધરાતથી જ તમામ કેમિસ્ટ શૉપ બંધ થઈ જશે. આ આંદોલનના પગલે આજે એફડીએના કમિશનર મહેશ ઝઘડે દ્વારા ૧૧ વાગ્યે કેમિસ્ટો સાથે ચર્ચા કરવા બોલાવવામાં આવેલી મીટિંગનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં સ્ત્રીભ્રૂણહત્યાના કેસ બહાર આવ્યા પછી એફડીએએ કેમિસ્ટની દુકાનોને ટાર્ગેટ બનાવીને તેમના પર દરોડા પાડવાની શરૂઆત કરી હતી અને જુલાઈ મહિનાથી આજ સુધી ૩૫ કેમિસ્ટો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ૨૧૦૦ દુકાનોને કારણ બતાવો નોટિસ મોકલાવવામાં આવી છે. આ કાર્યવાહીને કારણે દુકાનદારોમાં નારાજી ફેલાઈ છે. આ વિશે ધ ફાર્માસ્યુટિકલ હોલસેલર્સ અસોસિએશન તેમ જ રીટેલ ડિસ્પેન્સિંગ કેમિસ્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ દિલીપ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્યમાં તમામ કેમિસ્ટો ગુનેગાર હોય એ રીતે એફડીએ વર્તે છે. પ્રામાણિક કેમિસ્ટોને પણ ગુનેગારની જેમ પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. એફડીએની આ પ્રકારની કાર્યવાહી સામે અમે પ્રધાનને મળ્યાં, ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરી અને છતાં કોઈ ફરક પડ્યો નથી. આથી અમે ત્રણ દિવસ દુકાનો બંધ રાખીને અમારો વિરોધ નોંધાવવાના છીએ. આ બાબતો સંભાળતા કૅબિનેટ મિનિસ્ટર મનોહર નાઈક અને સ્ટેટ મિનિસ્ટર સતેજ પાટીલ જે આદેશ આપે છે એના કરતાં તદ્દન ઊંધી રીતે અમારી સાથે વર્તન કરવામાં આવે છે. કેમિસ્ટો તો સરકાર અને એફડીએ વચ્ચે સૅન્ડવિચ થઈ ગયા છે. ટેક્નિકલ કારણો બતાવીને અમારાં લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યાં છે.’

આ વિશે મહેશ ઝઘડેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં તો કેમિસ્ટોની સમસ્યા જાણવા માટે આજે ૧૧ વાગ્યે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી મારી ઑફિસમાં મીટિંગ બોલાવી છે. હું તેમની સાથે વાતચીત કર્યા પછી જ કંઈ કહી શકીશ.’

આ વિશે દિલીપ મહેતાએ કહ્યું હતું કે ‘અગાઉ આવી ત્રણથી ચાર મીટિંગો થઈ ચૂકી છે, પણ એમાં કોઈ નિરાકરણ ન આવતાં અમે આ મીટિંગનો બહિષ્કાર કર્યો છે.’

૬ દુકાનો ખુલ્લી રહેશે

આ આંદોલન દરમ્યાન તમામ કેમિસ્ટ શૉપ બંધ રહેશે, પણ જે દરદીઓ હૉસ્પિટલમાં હશે તેમને માટે મુંબઈના છ ઝોનમાં છ કેમિસ્ટ શૉપને ખુલ્લી રાખવામાં આવશે. નૉર્થ ઈસ્ટ ઝોનમાં મુલુંડ અને ચેમ્બુર વચ્ચે, બોરીવલી ઝોનમાં બોરીવલી અને અંધેરી વચ્ચે, વેસ્ટર્ન ઝોનમાં જોગેશ્વરી અને બાંદરા વચ્ચે, દાદર ઝોનમાં દાદર અને સાયન તથા ધારાવી વચ્ચે, કોલાબા ઝોનમાં કોલાબા અને વાલકેશ્વર વચ્ચે તથા ભાયખલા ઝોનમાં ફૉર્ટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે એક-એક કેમિસ્ટ શૉપ ખુલ્લી રાખવામાં આવશે. જોકે એની જાહેરાત હવે પછી કરવામાં આવશે.