ઠાકરે સરકારનો મહત્વનો નિર્ણયઃ સુપર માર્કેટ અને જનરલ સ્ટોરમાં વેચી શકાશે વાઇન

28 January, 2022 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્યના મંત્રી નવાબ મલિકના જણાવ્યા અનુસાર, 1,000 ચોરસ ફૂટ અથવા તેનાથી વધુ વિસ્તાર ધરાવતા સુપરમાર્કેટ અને સ્ટોર્સને તેમના પરિસરમાં અલગ સ્ટોલ દ્વારા વાઇન વેચવાની મંજૂરી આપવામાં આવશે.

તસવીર સૌજન્ય મિડ-ડે

મહારાષ્ટ્રમાં (Maharashtra) હવે સુપર માર્કેટ અને જનરલ સ્ટોર્સની દુકાનોમાં વાઇન (Wine) વેચી શકાશે. ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારે વાઇનના વેચાણને લગતી આ નવી નીતિને મંજૂરી આપી. રાજ્યના મંત્રી નવાબ મલિકના જણાવ્યા અનુસાર, 1,000 ચોરસ ફૂટ અથવા તેનાથી વધુ વિસ્તાર ધરાવતા સુપરમાર્કેટ અને સ્ટોર્સને તેમના પરિસરમાં અલગ સ્ટોલ દ્વારા વાઇન વેચવાની મંજૂરી આપવામાં આવશે.

નવાબ મલિકના જણાવ્યા અનુસાર, આ પગલાથી વાઈન ઉત્પાદકો તેમજ મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થશે. સરકાર આ પગલા દ્વારા આવક વધારવાનો પણ હેતુ ધરાવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ નિર્ણયથી રાજ્યની તિજોરીને કરોડોની આવકનો ફાયદો થશે.

આ નિર્ણય બાદ, ટૂંક સમયમાં જ સુપરમાર્કેટ, જનરલ સ્ટોર્સ અને વોક-ઈન સ્ટોર્સ પર વાઈન ઉપલબ્ધ થશે જે લઘુત્તમ વિસ્તારના ધોરણોને પૂર્ણ કરે છે. અત્યારની નીતિ અનુસાર, તેના વેચાણને માત્ર નિયુક્ત વાઈનની દુકાનો પર જ મંજૂરી હતી.

દેશમાં વાઈન ઉદ્યોગના 65 ટકા એકમો મહારાષ્ટ્રમાં છે, જેમાંથી મોટા ભાગના નાસિક, સાંગલી, પુણે, સોલાપુર, બુલઢાણા અને અહેમદનગરમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષ ભાજપ સરકારના આ પગલાનો વિરોધ કરી રહ્યો હતો અને હવે તે તેનો વિરોધ કરી શકે છે. હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે.

national news Mumbai mumbai news maharashtra nawab malik