બીજેપીના સાંગલીના સાંસદનો જાતિનો દાખલો રદ થતાં પદ જોખમમાં

25 February, 2020 07:37 AM IST  |  Solapur

બીજેપીના સાંગલીના સાંસદનો જાતિનો દાખલો રદ થતાં પદ જોખમમાં

સોલાપુરના બીજેપીના સાંસદ ડૉ. જયસિદ્ધેશ્વર શિવાચાર્ય મહારાજ

સોલાપુરના બીજેપીના સાંસદ જયસિદ્ધેશ્વર મહારાજ મુશ્કેલીમાં મુકાયા છે. જાતિ ચકાસતી સમિતિએ સાંસદ જયસિદ્ધેશ્વર મહારાજનો જાતિનો દાખલો બનાવટી હોવાનું જણાવીને એમણે ચૂંટણી વખતે ઉમેદવારી ફૉર્મ સાથે જોડેલો દાખલો રદ કરાયો હોવાનો દાવો ફરિયાદી પ્રમોદ ગાયકવાડે કર્યો છે. આથી બીજેપીના આ સાંસદનું પદ જોખમમાં મુકાઈ શકે છે.

સાંસદ જયસિદ્ધેશ્વર મહારાજે બેડ જંગમ જાતના હોવાનો દાખલો બનાવટી હોવાની ફરિયાદ થયા બાદ ૧૫ ફેબ્રુઆરીએ આ બાબતે સુનાવણી હાથ ધરાઈ હતી. જાતિ ચકાસણી સમિતિએ તેમની અરજી ફગાવી દીધી હતી. તેમણે આપેલો જાતિનો દાખલો નકલી હોવાનું જણાઈ આવ્યું હતું.

સોલાપુર લોકસભાના બીજેપીના સાંસદ ડૉ. જયસિદ્ધેશ્વર શિવાચાર્યએ પોતાની ઉમેદવારી સાથે જોડેલો બેડ જંગમ જાતિના દાખલા સામે પ્રમોદ ગાયકવાડ, મિલિંદ મુળે, વિનાયક કુંદકરેએ ફરિયાદ દાખલ કરીને તેમનું સાંસદ પદ રદ કરવાની માગણી કરી છે.

ફરિયાદ થતાં સાંસદે પોતાની પાસેના તમામ પુરાવા રજૂ કર્યા હતા. જોકે ચકાસણીમાં તેમણે આપેલા દાખલા અને પુરાવા બનાવટી હોવાનું જણાઈ આવ્યું હોવાનું મનાય છે. તેમનું જાતિનું સર્ટિફિકેટ બનાવટી હોવાનું પુરવાર થાય તો તેમણે સંસદસભ્યનું પદ ગુમાવવું પડી શકે છે. ગયા વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સોલાપુર બેઠક પર બીજેપીના ઉમેદવાર ડૉ. જયસિદ્ધેશ્વર શિવાચાર્ય મહારાજે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદે અને વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરને હરાવ્યા હતા. તેમણે દોઢ લાખના માર્જિનથી આ વિજય મેળવ્યો હતો.

maharashtra solapur mumbai mumbai news bharatiya janata party