13 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉત્તર પ્રદેશથી ડેમોન્સ્ટ્રેશન માટે પુણે લાવવામાં આવેલી AI ટેક્નૉલૉજીવાળા કૅમેરા ધરાવતી બસ.
પુણેના સ્વારગેટમાં પાર્ક કરેલી બસમાં મહિલા પર થયેલા બળાત્કારની ઘટના બાદ હવે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ નવી જે ઈ-બસ બસ ખરીદવાનો છે એમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજી સાથેના કૅમેરા બેસાડવામાં આવશે. જો ડ્રાઇવર બસ ચલાવતી વખતે બગાસાં ખાતો હશે કે પછી મોબાઇલ પર વાત કરતો હશે તો એક ખાસ અલાર્મ વાગશે જે પાછળ બેસેલા પ્રવાસીઓને અલર્ટ કરશે. એ સિવાય બસમાં મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ માટે બસમાં પણ બે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરા લગાવવામાં આવશે.
રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘બસ પાર્ક કરેલી હશે ત્યારે બહારથી તેને કોઈ અન્ય વ્યક્તિ ખોલી નહીં શકે. જો તે ખોલવાનો પ્રયાસ કરશે તો અલર્ટ માટેની અલાર્મ જોર-જોરથી વાગે એવી ગોઠવણ નવી ઈ-સ્માર્ટ બસમાં કરવામાં આવશે.’