મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી ધનંજય મુંડેને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા

13 April, 2022 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર અને સુપ્રિયા સુલે આજે સવારે ધનંજય મુંડેની મુલાકાત લેવા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગયા હતા

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેની તબિયત મંગળવારે રાત્રે અચાનક બગડી હતી. તેમને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનંજય મુંડેને હાર્ટ એટેકનો હળવો ઝટકો લાગ્યો હતો. તેમની સારવાર બ્રીચ કાંડ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આજે અનેક નેતાઓ તેમને મળ્યા હતા. બાદમાં, પંકજા મુંડે અને સાંસદ પ્રિતમ મુંડે તેમના ભાઈની હાલત જાણવા માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા.

મંગળવારે સવારથી ધનંજય મુંડેની તબિયત ખરાબ હતી. ધનંજય મુંડે સાંજે શરદ પવારના સિલ્વર ઓક બંગલામાં હતા, ત્યાં સાંજે અચાનક તેઓને ચક્કર આવવા લાગ્યા, ત્યારબાદ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળે છે. ધનંજય મુંડેની હાલ સારવાર ચાલી રહી છે. રાજેશ ટોપે પોતે ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં હાજર હતા. તેમણે આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે ધનંજય મુંડેની હાલત સ્થિર છે.

નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર અને સુપ્રિયા સુલે આજે સવારે ધનંજય મુંડેની મુલાકાત લેવા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગયા હતા, ત્યાર બાદ બંને નેતાઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. ધનંજય મુંડેને બેથી ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. આજે બપોરે તેમને સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવશે.

અજિત પવારે કહ્યું કે આજે કેટલાક ટેસ્ટ કરવામાં આવશે. તેમ જ મુંડેએ મરાઠવાડામાં પ્રવાસ કર્યો હતો. તેથી તેઓ થાકી ગયા હતા. તેમને થાકથી ચક્કર આવ્યા હતા. સુપ્રિયા સુલેએ કહ્યું કે હાલ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જે બાદ છગન ભુજબળ અને પ્રફુલ પટેલ સહિત NCPના ઘણા નેતાઓ મુંડેને મળ્યા હતા.

mumbai mumbai news maharashtra nationalist congress party