કૅબિનેટની મંજૂરી મળતાં મુંબઈની મેટ્રો અને લોકલ ટ્રેનના કૉરિડોરનું કામ ઝડપી બનશે

04 September, 2025 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડાલાથી ગેટવે ઑફ ઇન્ડિયા વચ્ચે મેટ્રો-11 માટે ૨૩,૪૮૭ કરોડ રૂપિયાનું ફન્ડ મંજૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત થાણેમાં સર્ક્યુલર મેટ્રો પ્રોજેક્ટને પણ વેગ મળશે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ કૅબિનેટની બેઠક યોજાઈ હતી. એમાં મુંબઈ સહિત પુણે અને નાગપુરના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. વડાલાથી ગેટવે ઑફ ઇન્ડિયા વચ્ચે મેટ્રો-11 માટે ૨૩,૪૮૭ કરોડ રૂપિયાનું ફન્ડ મંજૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત થાણેમાં સર્ક્યુલર મેટ્રો પ્રોજેક્ટને પણ વેગ મળશે. બેઠકમાં મરાઠા અનામતની ચર્ચા પણ મહત્ત્વની રહી હતી. સેન્ટ્રલ ટાસ્ક ફોર્સના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા સૂચનને પણ માન્યતા આપવામાં આવી હતી. એ મુજબ મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓના કામના કલાક ૯થી વધારીને ૧૦ કરવામાં આવશે. સંજય ગાંધી નિરાધાર અને શ્રવણ બાળયોજના હેઠળ દિવ્યાંગજનોને મહિને ૧૫૦૦ રૂપિયા મળતા હતા એમાં વધારો કરીને ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે જેનો લાભ રાજ્યના ૪.૭૫ લાખ લોકોને મળશે. એના માટે સરકારની તિજોરી પર વાર્ષિક ૫૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અગિયારમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૉલરશિપની જાહેરાત કરવામાં આવી છે.

લોકલ ટ્રેનના કૉરિડોર

મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) 3, 3A, 3B હેઠળના પ્રોજેક્ટને મંજૂરી

મુંબઈમાં ૨૩૮ ઍર-કન્ડિશન (AC) લોકલ ટ્રેનોની યોજનાને વેગ મળશે

સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેને જોડતા ૬૯.૨૩ કિલોમીટર લાંબા પનવેલ-બોરીવલી-વસઈ લોકલ ટ્રેન કૉરિડોર માટે ૧૨,૭૧૦.૮૨ કરોડ રૂપિયાની ફાળવણી

૮૭૧.૬૩ કરોડ રૂપિયાના પ્રસ્તાવિત ખર્ચ સાથે કસારા-આસનગાંવ વચ્ચે ૩૨.૪૬ કિલોમીટરનો કૉરિડોર

બદલાપુર-કર્જત વચ્ચે ૩૨.૪૬ કિલોમીટરના કૉરિડોર ૧૩૨૫.૦૨ કરોડ રૂપિયાની ફાળવણી થશે

મહત્ત્વના મેટ્રો પ્રોજેક્ટ્સ

વડાલાથી ગેટવે ઑફ ઇન્ડિયા વચ્ચે મેટ્રો-11 માટે ૨૩,૪૮૭ કરોડના ફન્ડને મંજૂરી

થાણેમાં સર્ક્યુલર મેટ્રો પ્રોજેક્ટ મંજૂર

પુણેની મેટ્રો લાઇન-2 અને 4નું એક્સ્ટેન્શન

નાગપુર મેટ્રો ફેઝ-2 પ્રકલ્પોને પણ મંજૂરી આપવામાં આવી છે

મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી

થાણે-નવી મુંબઈને જોડતા એલિવેટેડ રોડ માટે ૩૭૫૦ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે

બાંદરામાં ૩૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવો હાઈ કોર્ટ કૉમ્પ્લેક્સ ઊભો કરવામાં આવશે

મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC) ૫૧૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરશે, પ્રોજેક્ટ-કૉસ્ટમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સરખી ભાગીદારી રહેશે

devendra fadnavis mumbai metro AC Local mumbai nagpur pune indian railways maharashtra government maharashtra news maharastra news mumbai news