વિપક્ષ હવામાં ગોળીબાર કરીને ભાગી જાય એ યોગ્ય નથી

23 February, 2026 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બજેટ-સેશન પહેલાંની સવર્પક્ષીય બેઠકનો વિપક્ષ દ્વારા બહિષ્કાર, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...

બજેટ-સેશનની પૂર્વસંધ્યાએ ગઈ કાલે સહ્યાદ્રિ ગેસ્ટ-હાઉસમાં સાથી-પક્ષો સાથે ચાય-પે-ચર્ચા કરી રહેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ.

આજથી રાજ્ય સરકારનું બજેટ-સેશન ચાલુ થઈ રહ્યું છે. એ પહેલાં ગઈ કાલે સરકાર દ્વારા આયોજિત કરાયેલી સર્વપક્ષીય હાઈ-ટી (ચા-પાન)ની બેઠકનો વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. જોકે એ પછી મહાયુતિ દ્વારા લેવાયેલી પત્રકાર-પરિષદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ બાબતે કહ્યું હતું કે ‘વિપક્ષો માટે ફક્ત હવામાં ગોળીબાર કરીને ભાગી જવું યોગ્ય નથી. વિપક્ષે સત્રમાં તેમના મનમાં રહેલા બધા પ્રશ્નો ઉઠાવવા જોઈએ, અમે એના વિગતવાર જવાબો આપીશું. વિપક્ષી પક્ષોને ચર્ચા માટે પૂરતી તક આપવામાં આ‍વશે.’ 

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું હતું કે તેઓ અજિતદાદાના સપનાને પૂરું કરવા માટે કામ કરશે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ખાતરી આપી હતી કે તેઓ ચૂંટણી દરમ્યાન કરવામાં આવેલી જાહેરાતોને પૂરી કરશે. બજેટસત્ર પહેલાં પત્રકાર-પરિષદમાં મહાયુતિ સરકારે અજિતદાદાની યાદોને તાજી કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અજિતદાદાએ ક્યારેય નાણાકીય શિસ્ત તોડી નથી અને તેઓ તેમના કાર્યને આગળ ધપાવશે.

દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ-કૉન્ફરન્સમાં શું-શું કહ્યું?

આ સેશન દ્વારા અમે ગરીબોની સમસ્યાઓનું નિરાકરણ લાવીશું. અજિત પવારે આ બજેટ માટે સારી તૈયારી કરી હતી, પરંતુ કમનસીબે તેઓ હવે અમારી સાથે નથી. અજિતદાદા એવી વ્યક્તિ હતા જેમને ખચકાટ વિના કોઈ પણ મુખ્ય પ્રધાન નાણાં મંત્રાલય આપી શકે. તેઓ નાણાં ખાતાના શિસ્તનું પાલન કરતા અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા દેતા નહીં. જો કંઈક નાણાકીય શિસ્તમાં બંધબેસતું ન હોય તો તેઓ સ્પષ્ટપણે કહેતા, પરંતુ જ્યાં જરૂર પડે ત્યાં રસ્તો પણ શોધી કાઢતા. સુનેત્રા પવાર પહેલી વાર આ સત્રનો સામનો કરી રહ્યાં છે. તેમને ઘણાં વર્ષોનો અનુભવ છે. મને વિશ્વાસ છે કે તેઓ દાદાની જેમ આ સત્રનો સામનો કરશે.

કેન્દ્ર તરફથી મહારાષ્ટ્રને મળેલા ભંડોળમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. મહારાષ્ટ્રને ૯૮,૩૦૦ કરોડ રૂપિયાનું ટૅક્સ-રીફન્ડ મળશે. દાવોસમાં ૩૦ લાખ કરોડના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બજેટમાં આ હકીકતો વિગતવાર સમજાવવામાં આવશે.

મહાવિસ્તાર નામની એક AI ઍપ બનાવવામાં આવી છે અને દરેક ખેડૂતને એનો લાભ મળશે. પાકનો ફોટો લઈને પણ આ ઍપ ખેડૂતને તેના પાકની સ્થિતિ વિશે માહિતી આપશે.

અમને વિપક્ષ તરફથી છ પાનાંનો અને ૧૮ મુદ્દાનો પત્ર મળ્યો છે. વિશ્વ માતૃભાષા દિવસે આપણી માતૃભાષામાં ઘણી ભૂલો થઈ છે. સમાચારમાં આવેલા ફકરા આ પત્રમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કોઈ ફેરફાર કરવાની તસ્દી લીધી નથી.

સુનેત્રા પવારે પ્રેસ-કૉન્ફરન્સમાં શું કહ્યું?

આ વર્ષનું સત્ર મહાયુતિ સરકારનું બીજું બજેટસત્ર છે. લોકોએ મહાયુતિને સત્તા આપી. અમારી સરકાર એ વિશ્વાસને ન્યાય આપશે. સ્વર્ગસ્થ અજિતદાદાએ ૧૧ વખત બજેટ રજૂ કર્યું છે. દાદાએ ક્યારેય વિકાસ સાથે સમાધાન કર્યું નથી. દાદા મહારાષ્ટ્રના અર્થતંત્રને એક ટ્રિલ્યન ડૉલર સુધી લઈ જવા માટે કટિબદ્ધ હતા. હવે મહાયુતિ સરકાર એના પર કામ કરશે. જ્યારે લાડકી બહિણ યોજના બંધ થવાના આરોપો લાગ્યા હતા ત્યારે દાદાએ એના માટે જોગવાઈઓ કરી હતી અને ખાતરી કરી હતી કે આ યોજના કાયમ ચાલુ રહેશે.

એકનાથ શિંદેએ પ્રેસ-કૉન્ફરન્સમાં શું કહ્યું?

જ્યારે એવું કહેવામાં આવતું હતું કે બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે બધાનું ધ્યાન અજિતદાદા પર રહેતું હતું. આજે તેઓ આપણી સાથે નથી. તેમનું દુ:ખ આ બજેટ પર છે. આપણે નિયતિ સામે કંઈ કરી ન શકીએ.

વિકાસનો પ્રોગ્રામ કેવી રીતે સેટ કરવો એ અજિતદાદા કૅબિનેટ મીટિંગમાં પણ તેમના સાથીદારોને સ્પષ્ટ રીતે સમજાવતા હતા. આપણે હવે તેમનું સપનું પૂરું કરવાનું છે. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના અર્થતંત્રની નાડી જાણે છે. અમે સાડાત્રણ વર્ષ સુધી સામાન્ય માણસની સરકાર તરીકે કામ કર્યું. આ સમયગાળા દરમ્યાન અમે ઘણી યોજનાઓ શરૂ કરી. દાવોસમાં ૩૦ લાખ કરોડના કરારો થયા. એના દ્વારા ૪૦થી ૫૦ લાખ લોકોને રોજગાર મળશે અને એ રાજ્યને આગળ વધવામાં મદદ કરશે. અમે ચૂંટણી દરમ્યાન કરેલી જાહેરાતોને યોગ્ય સમયે પૂરી કરીશું. વિપક્ષમાં વાતચીતનો અભાવ છે અને તેમણે સામાન્ય માણસ માટે લડવાની જરૂર છે. તેમની પાસેથી લોકોનું કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ તેઓ એવું કંઈ કરી રહ્યા નથી.

બજેટસત્રને લીધે વિધાનભવનની આસપાસ પે ઍન્ડ પાર્ક ઉપલબ્ધ થશે નહીં

૨૩ ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રનું બજેટસત્ર શરૂ થઈ રહ્યું છે એટલે મુંબઈ ટ્રાફિક-પોલીસે સાઉથ મુંબઈમાં વિધાનભવનની આસપાસ ટ્રાફિક જૅમ ન થાય એ માટે ડાયવર્ઝન જાહેર કર્યું છે. ૨૩થી ૨૫ ફેબ્રુઆરી સુધી રામનાથ ગોએન્કા માર્ગ સાખર ભવનથી વિધાનભવન જંક્શન સુધી વાહનોની એન્ટ્રી બંધ રહેશે. એ ઉપરાંત જમનાલાલ બજાજ માર્ગ, વિનય કે. શાહ માર્ગ, દોરાબજી તાતા રોડ, રામનાથ ગોએન્કા માર્ગ, વિધાનભવન માર્ગ પર પે ઍન્ડ પાર્ક સર્વિસ મળશે નહીં.

mumbai news mumbai sunetra pawar ajit pawar nationalist congress party political news indian politics devendra fadnavis parliament