લોકોને લોનમાફીની આદત પડી છે અને અમારે પણ ચૂંટણી જીતવા આવાં આશ્વાસનો આપવાં પડે છે

11 October, 2025 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શું બોલી ગયા BJPના મિનિસ્ટર બાબાસાહેબ પાટીલ? જળગાવમાં સભા સંબોધતી વખતે જીભ લપસી, પછી લોકોનો આક્રોશ વધ્યો એટલે અંતે માફી માગી લીધી

BJPના મિનિસ્ટર બાબાસાહેબ પાટીલ

મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે. ખેડૂતો તરફથી લોનમાફીની માગણી તીવ્ર બની રહી છે.

આ વચ્ચે રાજ્યના સહકારપ્રધાન બાબાસાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મચાવી હતી. તેમણે જળગાવમાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘લોકોને લોનમાફી માગવાની લત પડી ગઈ છે. અમારે પણ ચૂંટણી જીતવી હોય છે એટલે એવાં આશ્વાસનો આપતાં રહેવાં પડે છે.’

બાબાસાહેબે પાટીલે કહ્યું હતું કે ‘એકાદ ગામમાં ચૂંટણી વખતે જો કોઈ નેતા જાય અને લોકો કહે કે ગામમાં નદી લાવી આપશો તો જ તમને મત આપીશું. એથી શું માગવું એ તમારે નક્કી કરવાનું છે. ચૂંટણીમાં અમારે જીતવું હોય છે એટલે અમે આશ્વાસન આપતા હોઈએ છીએ, પણ બધી બાબતોનો તમારે પણ વિચાર કરવો જોઈએ.’

જોકે તેમના આ સ્ટેટમેન્ટ બાદ હોબા‍ળો મચી ગયો હતો અને વિરોધ પક્ષના આગેવાનોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. લોકોના આક્રોશને ઠંડો પાડવા બાબાસાહેબે એક વિડિયો બનાવીને દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે એ દિલગીરી વ્યક્ત કરતો વિડિયો પોસ્ટ કર્યો હતો. એમાં કહ્યું હતું કે ‘આજે જળગાવમાં એક બૅન્કના ઉદ્ઘાટન માટે ગયો હતો. ત્યારે ગ્રામીણ ભાગમાં આર્થિક વ્યવસ્થા મજબૂત કરવાના સંદર્ભે મેં આ મુદ્દે વાત કરી હતી. અર્બન બૅન્ક કે પછી ક્રેડિટ સોસાયટીઓએ ખેડૂતોને લોન આપવી જોઈએ, પણ આવી કોઈ યોજના લોનમાફીમાં બંધબસેતી નથી એટલું જ કહેવાનો મારો ઉદ્દેશ હતો.’

maharashtra jalgaon bharatiya janata party maharashtra news mumbaai mumbai news