છત્રપતિ શિવાજી મહારાજની વર્ષગાંઠમાં સંખ્યા વધી જશે તો?

29 May, 2023 10:31 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

રાયગડના પ્રખ્યાત પહાડી કિલ્લા પર ૬ જૂને છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકની ૩૫૦મી વર્ષગાંઠમાં ૩ લાખ લોકો હાજરી આપે એવી અપેક્ષા છે. ત્યાં એક સમયે એકસાથે ૨૫૦૦૦ લોકો બેસી શકે છે અને એના મુખ્ય માર્ગ ‘મહાદરવાજા’માંથી માત્ર ચારથી પાંચ લોકોને પ્રવેશની મંજૂરી છે

છત્રપતિ શિવાજી મહારાજનો જ્યાં જન્મ થયો હતો રાયગડ કિલ્લો (તસવીર : રાણે આશિષ)

રાયગડના પ્રખ્યાત પહાડી કિલ્લા પર ૬ જૂને છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકની ૩૫૦મી વર્ષગાંઠમાં ત્રણ લાખ લોકો હાજરી આપે એવી અપેક્ષા છે. ત્યાં એક સમયે એકસાથે ૨૫,૦૦૦ લોકો બેસી શકે છે અને એના મુખ્ય માર્ગ ‘મહાદરવાજા’માંથી માત્ર ચારથી પાંચ લોકોને પ્રવેશની મંજૂરી છે. ખારઘરમાં થયેલી નાસભાગનું પુનરાવર્તન ન કરવું હોય તો મહારાષ્ટ્ર સરકારની પ્રિપરેશન કમિટીને ચેતવણી આપવા માટે આ આંકડા પૂરતા છે. પહાડી કિલ્લાનું બાંધકામ યુદ્ધના આર્કિટેક્ચરના ભાગરૂપે કરવામાં આવ્યું છે.

આ તૈયારીથી વાકેફ મંત્રાલય સાથે જોડાયેલા એક સિનિયર ઑફિસરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે, ‘રાજ્યના તંત્ર અને પોલીસ વિભાગ સમક્ષ સૌથી મોટી ચિંતા ભીડ અને વ્યવસ્થાપનની છે. ૨૦૧૮ની ૬ જૂને એક લાખથી વધુ લોકોએ કિલ્લાની મુલાકાત લીધી હતી. એક સમયે ત્યાં ગભરાટ જેવી સ્થિતિ હતી, પરંતુ કિલ્લા પર હાજર લોકો દ્વારા સમયસર પગલાં લેવાને કારણે દુર્ઘટના ટળી હતી.’

સરકારી નિવેદનની પુષ્ટિ કરતાં રાયગડ પ્રેસ ક્લબના પ્રમુખ મનોજ ખામ્બેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૦૧૮માં બપોરે ત્રણ વાગ્યા પછી પ્રવેશદ્વાર પર અંધાધૂંધી હતી. મહત્તમ છ લોકો મુખ્ય દરવાજામાંથી પસાર થઈ શકે છે, પરંતુ કિલ્લા પરથી નીચે જનારા અને કિલા સુધી પહોંચનારા લોકો સામસામે આવી ગયા હતા. પ્રવેશદ્વાર પર અરાજકતાની સ્થિતિ ઊભી થઈ હોવાને કારણે લોકોની આવ-જા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર, સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકો દ્વારા સમયસર હસ્તક્ષેપથી કટોકટીને ઉકેલવામાં મદદ મળી હતી. આ વર્ષે ભીડ ઘણી વધારે હશે. તેથી હું વહીવટી તંત્રને વિનંતી કરું છું કે તેઓ વધુ સાવચેતી રાખે અને ભીડ વ્યવસ્થાપન માટે યોગ્ય મેકૅનિઝમ ગોઠવે.’

રાયગડ કિલ્લાના ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પરિસ્થિતિને સંભાળવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. ખારઘરની દુ:ખદ ઘટના બાદ વહીવટી તંત્ર વધુ સતર્ક છે. મહારાષ્ટ્ર ભૂષણ અવૉર્ડ સમારોહ દરમિયાન ૧૪ લોકોનાં મોત થયાં હતાં. ત્યારે એવી ચર્ચા હતી કે મૃત્યુ નાસભાગને કારણે થયાં હતાં. જોકે વહીવટી તંત્રે આ દાવાને નકારી કાઢ્યો હતો અને સનસ્ટ્રોકને કારણે મૃત્યુ થયાં હોવાનું જણાવ્યું હતું.

રાયગડના જિલ્લા કલેક્ટર યોગેશ મ્હાસે અને પોલીસ અધિક્ષક સોમનાથ ઘાર્ગે તેમની ટીમ સાથે આ મોરચે કામ કરી રહ્યા છે. સરકારી અધિકારીએ કહ્યું હતું કે ‘બે લાખથી વધુની સંખ્યા પડકારરૂપ છે. સમારંભમાં ભાગ લેનાર ૯૮ ટકાથી વધુ લોકોએ કિલ્લા સુધી પહોંચવા માટે પગથિયાં ચડવા પડશે, કારણ કે રોપવે દ્વારા એક દિવસમાં વધુમાં વધુ ૩,૦૦૦ લોકો જઈ શકે છે. ત્રણ રોપવે કાર્યરત છે. મોટા ભાગના લોકો ઉજવણીના દિવસે ઉપર-નીચે ચાલતા હશે એટલે પોલીસ દળ અને અન્ય સરકારી તંત્રના તમામ મોરચે પૂર્વતૈયારી કરવામાં આવી છે.’

વારંવાર પ્રયાસ કર્યા પછી પણ મ્હાસે અને ઘાર્ગે કૉમેન્ટ માટે ઉપલબ્ધ નહોતા.

અપેક્ષાથી વધુ લોકો આવવાની શક્યતા

રાયગડમાં બે પક્ષ વચ્ચેના શક્તિપ્રદર્શનને કારણે વધુ લોકો આવે એવી શક્યતા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની શિવસેના-ભાજપ સરકાર બીજી જૂને રાયગડ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ૩૫૦મી રાજ્યાભિષેક જયંતીની ઉજવણી કરશે. આ દિવસે લગભગ ૭૫,૦૦૦ લોકો ઉજવણીમાં હાજરી આપે એવી અપેક્ષા છે. સરકાર તિથિ મુજબ ઉજવણી કરશે, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજીરાજે છત્રપતિ તારીખ મુજબ ઉજવણી કરશે. મહારાજનો રાજ્યાભિષેક ૬ જૂન, ૧૯૭૪ના રોજ રાયગડ કિલ્લાની ટોચ પર થયો હતો.

mumbai mumbai news maharashtra raigad shivaji maharaj sanjeev shivadekar