25 June, 2024 10:14 AM IST | Mumbai | Faizan Khan
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ લાતુર પોલીસ-સ્ટેશનમાં NEET-UGના પેપર-લીક સંદર્ભે કેસ દાખલ કર્યો છે અને તપાસમાં બહાર આવ્યું છે કે પેપર લીક કરતી સિન્ડિકેટ છેલ્લા એક વર્ષથી કાર્યરત હતી અને ટીચર્સ તથા અન્ય ગૅન્ગ-મેમ્બરો ચાર પ્રકારે પરીક્ષાનાં પેપર લીક કરતા હતા.
લાતુર પોલીસને આરોપીઓના ફોનમાંથી ઘણી માહિતી મળી છે. એ સિવાય મળેલા પુરાવાઓમાં ૭થી ૮ સ્ટુડન્ટ્સની હૉલ-ટિકિટ અને અન્ય પરીક્ષામાં બેસનારા સ્ટુડન્ટ્સની જાણકારીનો સમાવેશ છે.
તપાસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટીચર્સ સ્ટુડન્ટને પરીક્ષામાં પાસ કરવા માટે સ્ટુડન્ટદીઠ બેથી ત્રણ લાખ રૂપિયાનો ચાર્જ કરતા હતા. આ ગૅન્ગ છેલ્લા એક વર્ષથી કાર્યરત હતી. આરોપીઓ સ્ટુડન્ટ્સ પાસેથી નાણાં લેતા હતા અને ખાતરી આપતા હતા કે તમને પરીક્ષામાં વધારે માર્ક મળશે. આરોપીઓનાં વૉટ્સઍપ-ચૅટ્સ પણ તપાસવામાં આવી રહ્યાં છે.’
લાતુર પોલીસે જિલ્લા પરિષદની સ્કૂલના ટીચર્સ જલીલ પઠાણ અને સંજય જાધવ સામે કેસ નોંધ્યો છે. પઠાણની ધરપકડ થઈ છે અને તેને બીજી જુલાઈ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવાયો છે. ATSએ તેની પૂછપરછ કરી હતી. જાધવ નાસતો ફરતો હતો, પણ તેને લાતુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સિવાય આ કેસમાં ઉસ્માનાબાદના ITIના ઇન્સ્ટ્રક્ટર ઇરન્ના કોંગલવાર અને દિલ્હીના ગંગાધર સામે ગુનો નોંધ્યો છે.
ATSના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૅન્ગ વિવિધ સ્ટુડન્ટ્સ પાસેથી અલગ-અલગ પ્રકારની રકમ લેતી હતી, પણ મોટા ભાગે આ રકમ બેથી ત્રણ લાખ રૂપિયાની આસપાસ હતી.
પરીક્ષામાં પાસ કરવા વપરાતી ચાર પદ્ધતિ
આરોપીઓ સ્ટુડન્ટ્સને પરીક્ષામાં પાસ કરવા માટે ચાર પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. સૌથી પહેલી પદ્ધતિમાં તેઓ પેપર લીક કરતા હતા અને એ માટે ગૅન્ગ ૨૦થી ૨૫ લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. જોકે આ મુદ્દે કોઈ પુરાવા મળ્યા નથી. બીજી પદ્ધતિમાં પરીક્ષા વખતે સ્ટુડન્ટ્સને ચીટિંગ કરવા દેવામાં આવતું હતું. ત્રીજી પદ્ધતિમાં ખરા સ્ટુડન્ટને બદલે તેના સ્થાને પ્રોક્સી સ્ટુડન્ટને પરીક્ષા આપવા મોકલતા હતા. ચોથી પદ્ધતિમાં સ્ટુડન્ટને કહેવામાં આવતું કે તમારે પરીક્ષાના પેપરમાં કંઈ જ લખવાનું નથી. પરીક્ષા પૂરી થયા બાદ ગૅન્ગના લોકો આન્સરશીટમાં જવાબ લખીને સબમિટ કરશે.