‘આલે રે આલે, ગદ્દાર આલે’: શિંદેસેનાની એન્ટ્રી સાથે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુંજ્યો નારો

17 August, 2022 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિપક્ષો વિધાનસભાની બહાર આક્રમક દેખાયા હતા

તસવીર સૌજન્ય: પીટીઆઈ

રાજ્યમાં સત્તાના હસ્તાંતરણ પછી શિંદે-ફડણવીસ સરકાર પ્રથમ વખત વિધાનસભા સત્રનો સામનો કરી રહી છે. સંમેલનના પહેલાં જ વિરોધીઓએ વિધાન ભવનની નજીકમાં જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે શિવસેના અને વિરોધ પક્ષોના નેતાઓએ સૂત્રોચ્ચાર કરીને શિંદે જૂથના ધારાસભ્યોને નિશાન બનાવ્યા હતા, જ્યારે શિંદે જૂથના ધારાસભ્યો વિધાન ભવનમાં આવી રહ્યા હતા ત્યારે તેમણે `આલે રે આલે, ગદ્દર આલે`ના નારા લગાવ્યા હતા.

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિપક્ષો વિધાનસભાની બહાર આક્રમક દેખાયા હતા. વિપક્ષે વિધાન ભવનના પગથિયાં પર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષે રાજ્યમાં ભીનો દુષ્કાળ લાગુ કરવાની, ખેડૂતોને વળતર આપવાની માગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા.

આદિત્ય ઠાકરેએ પણ વિપક્ષના આંદોલનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “અમે લોકશાહીના હત્યારાઓ વિરુદ્ધ ઊભા છીએ. આ દેશદ્રોહી સરકાર છે, તેનું પતન થવાનું જ છે. આ બંધારણની બહારની સરકાર છે, ગેરકાયદેસર સરકાર છે, અપ્રમાણિક લોકોની સરકાર છે.” આદિત્યએ કહ્યું હતું.

આદિત્ય ઠાકરેએ કેબિનેટ પોર્ટફોલિયોની ફાળવણીની પણ ટીકા કરી હતી. “અમારી વચ્ચે જે મંત્રી હતા તે ત્યાં જઈને મંત્રી બન્યા છે. કેટલાકને પહેલાં કરતાં ઓછાં મહત્વનાં ખાતાં મળ્યાં છે. જેઓ વફાદાર હતા, તેમને કંઈ મળ્યું નહીં. તો તેમણે ફરી એકવાર બતાવ્યું છે કે વફાદારીને કોઈ સ્થાન નથી, અપક્ષોને કોઈ સ્થાન નથી, મહિલાઓને કોઈ સ્થાન નથી અને મુંબઈગરાંને કોઈ સ્થાન નથી.” આદિત્ય ઠાકરેએ એમ પણ કહ્યું કે “જે લોકોની વફાદારી એક વ્યક્તિ સાથે નથી રહી, એક પાર્ટી સાથે નથી રહી, તેઓ આવા લોકો સાથે કેવી રીતે રહી શકે, તેમને ત્યાં જઈને કંઈ મળ્યું નથી.

છેલ્લા ઘણા દિવસોથી વિપક્ષે કેબિનેટ વિસ્તરણ, ખાતાની વહેંચણીના મુદ્દે શિંદે-ફડણવીસ સરકારની ટીકા કરી છે. તેનું પુનરાવર્તન આ સત્રમાં જોવા મળ્યું હતું. ભારે વરસાદ બાદ ખેડૂતોને મદદનો મુદ્દો, મુંબઈમાં મેટ્રો કાર શેડનો વિવાદ, ઠાકરે સરકારના નિર્ણયોને સસ્પેન્ડ કરવાનો મુદ્દો સહિતના વિવાદાસ્પદ મુદ્દાઓ જોવા મળી શકે છે.

mumbai mumbai news maharashtra eknath shinde