આજથી વિધાનસભાનું ત્રણ દિવસનું સ્પેશ્યલ અધિવેશન

10 November, 2014 05:57 AM IST  | 

આજથી વિધાનસભાનું ત્રણ દિવસનું સ્પેશ્યલ અધિવેશન




વિધાનસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર વિધાનસભાનું ત્રણ દિવસનું સ્પેશ્યલ અધિવેશન આજથી શરૂ થશે. આ અધિવેશનમાં બુધવારે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને તેમની માઇનૉરિટી સરકારને વિશ્વાસનો મત લેવાનો છે. આ પ્રક્રિયા વિશે રાજ્યના એક અધિકારીએ કહ્યું હતું કે પહેલાં તો આજે સવારે દસ વાગ્યે રાજભવનમાં જીવા પાંડુ ગાવિતને રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર તરીકેના શપથ લેવડાવશે.

વિધાનસભાની કાર્યવાહી સવારે અગિયાર વાગ્યે શરૂ થશે અને બે દિવસ સુધી રાજ્યની ૧૩મી વિધાનસભાના તમામ ચૂંટાયેલા સભ્યોના વિધાનસભ્ય તરીકેના શપથની કામગીરી થશે. વિધાનસભામાં ખરો પૉલિટિકલ ખેલ ૧૨ નવેમ્બરે બુધવારે થશે. એ દિવસે પહેલાં તો વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થશે અને ત્યાર બાદ BJPની ફડણવીસ સરકારના વિશ્વાસના મતની કામગીરી થશે. આ કામ સુપેરે પાર પડ્યા બાદ ગવર્નરના ભાષણ સાથે અધિવેશન સમાપ્ત થશે.

નવી વિધાનસભાના કુલ ૨૮૮ સભ્યોમાંથી BJPના ૧૨૧ વિધાનસભ્યો છે, પરંતુ સરકાર ચલાવવા ૧૪૪ સભ્યોનો સપોર્ટ જરૂરી છે. શિવસેના સપોર્ટ આપશે કે કેમ એ હજી નક્કી નથી, પરંતુ ૪૧ વિધાનસભ્યો સાથે NCPએ બહારથી સરકારને ટેકો આપવાનું કહ્યું છે. આવી સ્થિતિમાં જો BJP શિવસેનાને સરકારમાં સન્માનજનક સ્થાનની કોઈ ઑફર નહીં કરે તો ૬૩ વિધાનસભ્યો સાથે શિવસેના વિરોધ પક્ષની પાટલી પર બેસશે એ લગભગ નક્કી છે.