29 October, 2024 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય ઉપાધ્યાય
ગુજરાતીઓના ગઢ બોરીવલી બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિલે પાર્લે-ઈસ્ટમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના વતની અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા સંજય ઉપાધ્યાયને વિધાનસભાની ટિકિટ ગઈ કાલે ફાળવી હતી. સંજય ઉપાધ્યાય મહારાષ્ટ્ર BJPના જનરલ સેક્રેટરી છે. તેમણે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી માસ્ટર ઑફ સાયન્સ કર્યું છે. ૨૦૧૭માં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં સંજય ઉપાધ્યાયે ઝંપલાવ્યું હતું, પરંતુ તેઓ સફળ નહોતા થઈ શક્યા.
મુંબઈ BJPના પ્રવક્તા ઉદય પ્રતાપ સિંહે શા માટે સંજય ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી એ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલી વિધાનસભા બેઠક માટે પક્ષના બે સ્થાનિક મોટા નેતાઓ દાવેદારી કરી રહ્યા હતા. બેમાંથી કોઈ નમતું જોખવા તૈયાર નહોતા એટલે વચ્ચેના માર્ગ તરીકે સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપવામાં આવી છે. બીજું, બે વર્ષ પહેલાં રાજ્યસભાની ચૂંટણી વખતે સંજય ઉપાધ્યાયનું ફૉર્મ ભરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમને ઉમેદવારી પાછી ખેંચવાનું કહેવામાં આવ્યું હતું. એ પછી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં તેમને મોકલવા માટેનું વચન આપવામાં આવ્યું હતું. જોકે એ સમયે પણ પાર્ટી સંજય ઉપાધ્યાયને વિધાન પરિષદમાં નહોતી મોકલી શકી. આથી બોરીવલીની બેઠકનું કોકડું ઉકેલાવાની સાથે સંજય ઉપાધ્યાયને આપેલું વચન પણ પૂરું થઈ રહ્યું હતું એટલે તેમને અહીંથી ઉમેદવારી આપવામાં આવી છે. બીજું કારણ એ છે કે BJPમાં મુંબઈમાં ઉત્તર ભારતીયોને પૂરતું પ્રતિનિધિત્વ મળે એને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સંજય ઉપાધ્યાયના પિતા વર્ષોથી RSSના કાર્યકર રહ્યા હતા અને સંજય ઉપાધ્યાય કૉલેજમાં ભણતા હતા ત્યારથી રાજકારણમાં સક્રિય થયા હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના નેતા રહ્યા છે.’