13 July, 2026 12:52 PM IST | Nanded | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પંઢરપુર વારીની વચ્ચે એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર સંત જ્ઞાનેશ્વરની પાલખી સાસવડ-જેજુરી રોડના દિવે ઘાટ પરિસરમાંથી આગળ જઇ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલ એક ટ્રકે પદયાત્રીઓને ટક્કર મારી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ એક્સિડન્ટમાં ત્રણ મહિલા વારકરીઓનું મોત નીપજ્યું છે. અને ૧૬ વારકરી ગંભીર રીતે જખમી થયા (Maharashtra Accident) છે.
પૂણેના ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલના જણાવ્યા અનુસાર નાંદેડ જિલ્લાના લોહાથી રંગનાથ મહારાજના દિંડીની એક ટ્રકે સાંગલી જિલ્લાના કાસબેડીરાજના દિંડીથી આવેલા વારકરીઓના ગ્રુપને ટક્કર મારી હતી. આ ઘટના બેલસર ટોલ નાકાથી જેજુરી તરફ લગભગ ૫૦૦ મીટર દૂર બની હતી. "આ અકસ્માતમાં ત્રણ મહિલાઓનું મોત થયું હતું, જ્યારે અન્ય સાતને ખૂબ ઈજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જેજુરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે " તેમ તેઓએ આગળ જણાવ્યું હતું.
આ એક્સિડન્ટ (Maharashtra Accident) થયો તેને પગલે રોડ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને પીડિત વારકરીઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ આ તમામ પીડિતો તબીબી સારવાર હેઠળ છે. ટ્રકની ટક્કર એટલી ભીષણ હતી કે ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનાથી આ વિસ્તારના વારકરી સમુદાયમાં આક્રોશ ફેલાયો છે.
અહેવાલો એવું સૂચવી રહ્યા છે કે ટ્રકના ડ્રાઈવરને તાવ આવ્યો હોઇ તેણે ટેબલેટ ખાધી હતી. જેને કારણે તેને ઝોકું આવી ગયું હોવાનું કહેવાય છે. ટ્રેક્ટર ટ્રોલી નાંદેડની હતી અને મૃતક મહિલાઓ વારકરી સાંગલીની રહેવાસી હતી. સાંગલી જિલ્લાના કાસબેદિગરાજના દિંડીની અન્ય સાત મહિલા વારકરીઓને ઇજાઓ થઈ છે. મૃતક મહિલાઓના નામ રાજશ્રી શંકર ભોસલે, માધવી રાજારામ સરવડે, અને નંદા પવાર એમ સામે આવ્યા છે.
દર વર્ષે આખા મહારાષ્ટ્રમાંથી (Maharashtra Accident) હજારો વારકરીઓ આષાઢી એકાદશીના અવસરે ભગવાન વિઠ્ઠલના મંદિરમાં પ્રાર્થના કરવા માટે સોલાપુર જિલ્લાના પંઢરપુર પહોંચવા માટે વારીમાં ભાગ લે છે.
ગયા અઠવાડિયે આવી જ એક ઘટના (Maharashtra Accident) બની હતી. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સામરોલી વિસ્તારમાં ટોલ્ડી નાલા નજીક તેમના વાહન સાથે અકસ્માત થતાં પાંચ અમરનાથ યાત્રાળુઓ ઘાયલ થયા હતા. આ યાત્રાળુઓ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી પહલગામ જવા માટે અર્ટિગા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. વાહન નિયંત્રણ બહાર થઈ ગયું હતું અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર દિવાલ સાથે અથડાયું હતું. અકસ્માતની જાણ થતાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની 137 બટાલિયન, ગોરખા 4/3, સિવિલ ડિફેન્સ, ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.