મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રિમાં સ્ટીલની થાળીમાં ફૂલહાર લઈને નો એન્ટ્રી

14 October, 2012 04:50 AM IST  | 

મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રિમાં સ્ટીલની થાળીમાં ફૂલહાર લઈને નો એન્ટ્રી



નવરાત્રિ માટે મહાલક્ષ્મી મંદિર સજ્જ થઈ ગયું છે, પણ આ વખતે અહીં દર્શન કરવા આવનારા આશરે ૧૩ લાખથી ૧૫ લાખ ભક્તો માટે મહાલક્ષ્મી મંદિરના સત્તાવાળાઓએ કેટલાક નિયમો બનાવ્યા છે અને શાંતિથી બધા લોકો દર્શન કરી શકે એ માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ વખતે સ્ટીલની થાળીમાં ફૂલહાર લઈને જવા નહીં મળે, દર્શન કર્યા પછી મંદિરના પરિસરમાં બેસવા નહીં મળે અને મોટા થેલા કે મોબાઇલ પણ લઈ જવા નહીં મળે. છેલ્લા કેટલાક દિવસથી આ મુદ્દે ગામદેવી પોલીસ-સ્ટેશનના અધિકારીઓ,

ઝોન-બેના ડેપ્યુટી પોલીસ-કમિશનર નિસાર તંબોલી અને મંદિરના સત્તાવાળાઓ વચ્ચે મૅરથૉન બેઠકોનો દોર ચાલ્યો હતો; કારણ કે લાખો ભક્તો નવરાત્રિના નવ દિવસ દરમ્યાન અહીં દર્શન માટે આવે છે એટલે તેમની સલામતીની વ્યવસ્થા બરાબર હોવી જરૂરી છે. પોલીસે સલામતી માટે ૧૫૦ મીટર લાંબા સ્કાયવૉકની યોજના પણ બનાવી હતી. જોકે સમય ઓછો હોવાને કારણે એ પડતી મૂકવામાં આવી છે. સલામતીની વ્યવસ્થા માટે મંદિરે આશરે ૪૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં મંદિરના મૅનેજર એસ. વી. પાધ્યેએ કહ્યું હતું કે ‘સ્કાયવૉક બાંધવાનો ખર્ચ ૧૭ લાખ રૂપિયા જેટલો થવાનો હતો. પોલીસે જણાવ્યું હતું કે સ્કાયવૉક એટલો મજબૂત હોવો જોઈએ કે એ આટલા બધા લોકોનો ભાર વહન કરી શકે. વળી આ મંદિર રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોવાથી ટેન્ડરો કાઢીને એની ચકાસણી કરીને કામ આપી શકાય. એમાં ઘણો સમય લાગે એમ હોવાથી આ વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.’

દર્શનાર્થે આવનારા ભક્તોની સગવડ માટે હાજી અલી દરગાહથી ધાકશ્વર મંદિર ચોક સુધી પંડાલ બાંધવામાં આવ્યો છે. પંડાલમાં લાઇટની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આïવી છે. સલામતી માટે ૧૫૦૦ સિક્યૉરિટી જવાનો તહેનાત કરવામાં આવ્યા છે; જેમાં મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા મંડળના જવાનો, વૈષ્ણવ ચૅરિટેબલ ટ્રસ્ટના વૉલન્ટિયર અને પોલીસ હોમગાર્ડના જવાનોનો સમાવેશ છે. હાજી અલી દરગાહથી મંદિર સુધીના પરિસરમાં ૫૦ સીસીટીવી કૅમેરા ફિટ કરવામાં આવ્યા છે. મંદિરમાં બૅગ કે કૅમેરા લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૂજાનો સામાન પણ પ્લાસ્ટિકની ટોપલીમાં કે કાગળની બૅગમાં આપવા દુકાનદારોને જણાવવામાં આવ્યું છે. મેટલ ડિટેક્ટરમાંથી પસાર થયા પછી જ દરેક ભક્તને મંદિરમાં જવા મળશે. ભક્તોનાં ચંપલ રાખવા માટે સ્ટૅન્ડ બનાવવામાં આવ્યાં છે અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન પછી ભાવિકોને મંદિર પાછળના દરિયાકિનારે જતા રોકવામાં આવશે.

૪૫,૦૦૦ લોકોને પાસ

મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં રહેતા આશરે ૪૫,૦૦૦ લોકોને રહેવાસી પાસ આપવામાં આવ્યા છે. તેમને જણાવવામાં આવ્યું છે કે આ દિવસોમાં તેમનાં વાહનો બહાર કાઢવાં નહીં.

મંદિરમાં જ સ્ત્રી-પુરુષની અલગ લાઇન

મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરવા આવનારા ભક્તોને દર વર્ષે અલગ-અલગ લાઇનમાં ઊભા રહેવું પડતું હતું અને એથી દર્શન પછી પોતાના સ્વજનો માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી, પણ આ વર્ષે મંદિરે નવી વ્યવસ્થા કરી છે. આખા પરિવારને લાઇનમાં સાથે જ ઊભા રહેવા મળશે, પણ મંદિરમાં પહોંચ્યા પછી અલગ લાઇનમાં જવું પડશે. આમ તેઓ માત્ર દર્શન પૂરતા જ વિખૂટા પડશે અને ફરી સાથે થઈ શકશે.

કરો પોલીસનો સંપર્ક

મહાલક્ષ્મી મંદિર પરિસરમાં પોલીસે સલામતીની ખાસ વ્યવસ્થા કરી હોવા છતાં પણ પોલીસ માઇક પર વારંવાર સૂચના આપશે. પોલીસે કોઈ પણ પ્રકારની અફવા પર પણ ધ્યાન ન આપવા અને કંઈ પણ મુશ્કેલી જણાય તો ફોનનંબરો ૧૦૦, ૧૦૩, ૨૩૮૦૫૪૩૧ અથવા ૨૩૮૦૪૫૪૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

મંદિરમાં રોજના કાર્યક્રમ

મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યે ઘટસ્થાપના કરવામાં આવશે અને સાડાછ વાગ્યે ધ્વજારોહણ થશે. સાત વાગ્યે આરતી થશે. મંદિર રોજ સવારે પાંચથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે. નવરાત્રિ દરમ્યાન રોજ સવારે સાડાપાંચ વાગ્યે કાકડ આરતી અને સાંજે સાડાસાત વાગ્યે ધૂપઆરતી થશે. બપોરે બાર વાગ્યે દસ મિનિટ માટે અને સાંજે ધૂપઆરતી વખતે વીસ મિનિટ માટે દર્શન બંધ રાખવામાં આવશે. સોમવાર, ૨૨ ઑક્ટોબરે સાંજે સાડાપાંચ વાગ્યે હોમની શરૂઆત થશે અને રાતે સાડાઆઠ વાગ્યે નાળિયેર હોમવામાં આવશે.