મહારાષ્ટ્રના છ જિલ્લામાં અતિવૃષ્ટિમાં પીડાગ્રસ્ત લોકોની મદદે સમસ્ત મહાજન

26 July, 2021 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમારી સંસ્થાના કાર્યકરો અતિવૃષ્ટિના ૫૦૦૦ પીડાગ્રસ્તોને રોજ ગરમ-ગરમ જમાડશે એવી માહિતી આપતાં સમસ્ત મહાજનના મૅનેજિંગ ટ્રસ્ટી ગિરીશ શાહે આપી

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના છ જિલ્લામાં અતિવૃષ્ટિએ તબાહી મચાવી દીધી છે. આથી ત્યાંના લોકોની સહાય કરવા માટે સમસ્ત મહાજનની ટીમ આ જિલ્લાઓમાં ખીચડીઘરનો સામાન લઈને પહોંચી ગઈ છે. આ ટીમ હવે જમવાની સાથે પીડાગ્રસ્તોના પુનર્વસન માટેની યોજના પર સક્રિય બની છે.

અમારી સંસ્થાના કાર્યકરો અતિવૃષ્ટિના ૫૦૦૦ પીડાગ્રસ્તોને રોજ ગરમ-ગરમ જમાડશે એવી માહિતી આપતાં સમસ્ત મહાજનના મૅનેજિંગ ટ્રસ્ટી ગિરીશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જમાડવાની શરૂઆત પછી બીજા ચરણમાં દસ હજાર પરિવારોના પુનર્વસનનો ટાર્ગેટ છે.

અમારા આ ભગીરથ કાર્ય માટે અમને સાફસફાઈનો સામાન અને અનાજની કિટની જરૂરિયાત છે એમ જણાવતાં ગિરીશ શાહે કહ્યું હતું કે ‘પીડાગ્રસ્તોના ઘરમાં પાણીની સાથે કાદવ-કીચડ ભરાયેલાં છે એટલે એની સાફસફાઈ માટે જેસીબી, ઝાડુ, તગારાં, પાવડા, સોલર બૅટરીની અમારી ટીમને જરૂરિયાત છે. આની સાથે પીડાગ્રસ્તો માટે બેડશીટ, ચાદર, શેતરંજી, સાડી, કપડાં, ટુવાલો, તાડપત્રી, ખીચડીનો સામાન, ચોખા, દાળ, તેલ, મસાલા, ઘઉંના આટાના વિતરણ માટે એક પરિવાર પાછળ અંદાજે ૧૦,૦૦૦ રૂપિયાની જરૂર છે. એમાં સહયોગ આપવા માટે સમાજના દાનવીરો આગળ આવે એવી અમારી અપીલ છે.’

આ બાબતની વધુ માહિતી માટે ગિરીશ શાહનો તેમના મોબાઇલ નંબર ૯૮૨૦૦ ૨૦૯૭૬ ઉપર સંપર્ક કરી શકાશે.

mumbai mumbai news maharashtra