28 March, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના જાણીતા પર્યટન-સ્થળ મહાબળેશ્વરમાં વીજબિલની બાકી રકમના મુદ્દે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતાં હિલ-સ્ટેશને અંધારપટ છવાઈ ગયો હતો. મહાબળેશ્વર હિલ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા પચીસ લાખ રૂપિયાનું બિલ ન ભરાતાં મંગળવાર અને બુધવારની રાતે શહેરનાં મુખ્ય બજારો અને જાહેર સ્થળોની સ્ટ્રીટલાઇટ બંધ કરી દેવામાં આવી હતી.
લગભગ ૨૪ કલાક સુધી વીજપુરવઠો ખોરવાયેલો રહેતાં એની સીધી અસર જનજીવન પર પડી હતી. વેણ્ણા લેક ખાતે આવેલા વૉટર પમ્પિંગ સ્ટેશનનું કામકાજ અટકી પડતાં ગુરુવારે રહેવાસીઓ અને પ્રવાસીઓએ પાણીની ભારે તંગી વેઠવી પડી હતી. આખરે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બુધવારે સાંજે ૧૪ લાખ રૂપિયાની અંશતઃ ચુકવણી કરવામાં આવ્યા બાદ વીજપુરવઠો પૂર્વવત્ થયો હતો.