કિસકે સાથ કૌન?

05 June, 2022 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યસભાની ચૂંટણીમાં નાના પક્ષો અને અપક્ષોના ૨૯ વિધાનસભ્ય કોની સાથે? મહાવિકાસ આઘાડી અને બીજેપીએ ૧૦ જૂનની ચૂંટણી માટે કમર કસી છે

અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાંથી વોટિંગ કરી શકશે?

રાજ્યસભાની છ બેઠક માટેની મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાવાનું નક્કી થઈ ગયા બાદ સત્તાધારી મહાવિકાસ આઘાડી સરકારના પક્ષો અને વિરોધ પક્ષ બીજેપી દ્વારા કોઈ પણ પ્રકારની દગાબાજી ન થાય એ માટે પોતપોતાના વિધાનસભ્યોને સાથે રાખવા ઉપરાંત નાના પક્ષો અને અપક્ષોને પોતાની તરફ ખેંચવાની કવાયત હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યસભાની ચૂંટણીમાં છમાંથી પાંચ બેઠક પક્ષોના વિધાનસભ્યોની બેઠક મુજબ બીજેપી, શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસને આસાનીથી મળી જશે; પરંતુ છઠ્ઠી બેઠક માટે કોઈ પક્ષ પાસે વિધાનસભ્યોની પૂરતી સંખ્યા નથી એટલે આ બેઠક માટે બીજેપી અને મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ વચ્ચે મહામુકાબલો બની રહેશે.

મહાવિકાસ આઘાડીએ છઠ્ઠી બેઠક આસાનીથી મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે બીજેપીએ પણ નાના પક્ષો અને અપક્ષ વિધાનસભ્યોને સાધવા માટેના પ્રયાસ શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ માટે પક્ષ દ્વારા દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંત પાટીલ ઉપરાંત ગિરીશ મહાજન, આશિષ શેલાર અને પ્રસાદ લાડને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. બીજેપી પાસે પોતાના ૧૦૬ અને સાથી પક્ષના મળીને કુલ ૧૧૨ વિધાનસભ્ય છે. આથી રાજ્યસભાના બે ઉમેદવાર માટેના ૮૪ મતને બાદ કરીને ૨૮ મત બાકી રહે છે. ત્રીજા ઉમેદવાર માટે ૧૪ મત મેળવવા માટે પ્રયાસ કરાઈ રહ્યો છે.

મહાવિકાસ આઘાડી સરકાર પાસે શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના મળીને કુલ ૧૫૨ વિધાનસભ્યો છે અને સરકારને ૧૨ નાના પક્ષ અને પક્ષોનું સમર્થન છે. આથી આંકડો ૧૬૪ થાય છે. જોકે અનિલ દેશમુખ અને નવાબ મલિક અત્યારે જેલમાં છે. તેમના મત મેળવવા માટે સરકારે કોર્ટમાં અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટ મત આપવાની મંજૂરી આપશે તો ઠીક, નહીં તો મહાવિકાસ આઘાડી સરકારના બે મત ઓછા થશે.

અનેક અપક્ષ વિધાનસભ્યો સંપર્કમાં : રવિ રાણા
અમરાવતીના અપક્ષ ઉમેદવાર રવિ રાણાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્યસભાની ચૂંટણી માટે અપક્ષ વિધાનસભ્યોએ નક્કી કરી લીધું છે કે આ વખતે કોને વિજયી બનાવવા. રાજ્યસભાની છઠ્ઠી બેઠક માટે અનેક વિધાનસભ્યો મારા સંપર્કમાં છે. ભૂતકાળમાં રાજ્યના અપક્ષોએ જ સંજય કાકડેને રાજ્યસભામાં પહોંચાડ્યા હતા. એમાં હું પણ સામેલ હતો. આથી આ વખતની ચૂંટણીમાં પણ બધા અપક્ષ વિધાનસભ્યોએ પત્તાં પીસીને રાખ્યાં છે અને ૧૦ જૂને તેઓ પત્તાં ઊતરશે.’

હિતેન્દ્ર ઠાકુર કોની સાથે?
નાના પક્ષોમાં સૌથી વધુ ત્રણ વિધાનસભ્ય બહુજન વિકાસ આઘાડી પક્ષ પાસે છે. પક્ષના અધ્યક્ષ અને વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરે બીજેપીને સાથ આપવાના સમાચાર ગઈ કાલે વહેતા થયા હતા. તેમણે બપોર બાદ પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘પત્રકારો સૂત્રોને નામે સમાચાર વહેતા કરે છે. અમે હજી સુધી સમર્થન આપવા બાબતે કોઈ નિર્ણય નથી લીધો. અમારા મતદાર સંઘમાં જે રાજ્ય કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી મદદ કરી છે અને ભવિષ્યમાં મદદ કરશે તેમને અમારું સમર્થન રહેશે.’

આ ૨૯ વિધાનસભ્યો પર નજર
નાના પક્ષ સહિત અપક્ષ મળીને અત્યારની વિધાનસભામાં કુલ ૨૯ વિધાનસભ્યો છે. આમાંથી અમુક અત્યારે મહાવિકાસ આઘાડી સરકાર તો કેટલાક બીજેપી સાથે છે. બાકીના વિધાનસભ્યો રાજ્યસભાની ચૂંટણી માટે ખૂબ જ મહત્ત્વના છે એટલે તેમના એક-એક મત મેળવવા માટે બન્ને પક્ષે ખેંચતાણ ચાલી રહી છે. 

વિધાનસભામાં મુખ્ય પક્ષોની સ્થિતિ
બીજેપી    ૧૦૬
શિવસેના     ૫૫
એનસીપી     ૫૩
કૉન્ગ્રેસ     ૪૪

mumbai mumbai news maharashtra anil deshmukh nawab malik