02 October, 2025 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)એ બસનાં ભાડાંમાં દિવાળી માટે લાગુ કરેલો ૧૦ ટકાનો ભાડાવધારો આખરે પાછો ખેંચી લીધો છે. મંગળવારે MSRTCએ કરેલી જાહેરાત મુજબ શિવનેરી અને શિવાઈની ઍર-કન્ડિશન્ડ (AC) બસો સિવાયની MSRTCની બસોમાં ૧૫ ઑક્ટોબરથી પાંચમી નવેમ્બર સુધી ટિકિટભાડામાં ૧૦ ટકા વધારો કરવામાં આવ્યો હતો. માત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આ વધારાનો મુસાફરોએ વિરોધ કરતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે આ નિર્ણય પાછો ખેંચવાનો નિર્દેશ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને આપ્યો હતો જેને પગલે ટિકિટભાડામાં વધારો નહીં થાય એવી ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે ભંડોળ ભેગું કરવા આગળ આવ્યાં બાળકો
અહમદપુર જિલ્લાના લાતુરમાં આવેલી ડૉ. હરિવંશરાય બચ્ચન સ્કૂલના વિદ્યાર્થીઓ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ ભૂલકાંઓએ ‘રેઇન કલર્સ’ થીમ પર બનાવેલાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજીને પૂરગ્રસ્ત લોકો માટે ભંડોળ ભેગું કરવાનો પ્રયાસ કર્યો છે. આ વિદ્યાર્થીઓ ૧,૧૧,૦૦૦ રૂપિયા ભેગા કરીને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં આપવાનો લક્ષ્યાંક ધરાવે છે.