છગન ભુજબળ ફૅમિલીની હવાલાકૌભાંડમાં સંડોવણી?

05 August, 2012 04:31 AM IST  | 

છગન ભુજબળ ફૅમિલીની હવાલાકૌભાંડમાં સંડોવણી?

વરુણ સિંહ

મુંબઈ, તા. ૫

બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો છે કે જાહેર બાંધકામ ખાતાના પ્રધાન છગન ભુજબળ અને તેમનો પરિવાર અનેક સ્કૅમમાં સંડોવાયેલો છે. તેમણે એવો તર્ક રજૂ કર્યો હતો કે ભુજબળ શબ્દનું અંગ્રેજી ટ્રાન્સલેશન આર્મસ્ટ્રૉન્ગ થાય છે, કારણ કે મરાઠીમાં ભુજ એટલે હાથ અને બળ એટલે મજબૂતાઈ. છગન ભુજબળ અને તેમના પરિવારજનો તેમની અટક પરથી જેનું નામ રાખવામાં આવ્યું છે એ આર્મસ્ટ્રૉન્ગ એનર્જી નામની કંપનીની માલિકી ધરાવે છે.

કિરીટ સોમૈયાએ પહેલાં એનસીપીના નેતા સુનીલ તટકરે પર ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા અને હવે છગન ભુજબળને પોતાનો ટાર્ગે‍ટ બનાવ્યા છે. કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો છે કે છગન ભુજબળ અને તેમના પરિવારની માલિકીની આ કંપની અનેક કૌભાંડોમાં સંડોવાયેલી છે અને પોતાની વાતને ટેકો આપતાં અનેક દસ્તાવેજો પણ તેમણે રજૂ કર્યા હતા. આ દસ્તાવેજો દેખાડીને કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે કંપનીના કેટલાક ઇન્વેસ્ટરોનાં ઍડ્રેસ બનાવટી છે અને કેટલાક ઇન્વેસ્ટરો તો રજિસ્ટર્ડ પણ નથી.

કિરીટ સોમૈયા શુક્રવારે સાંજે આ મુદ્દે વાત કરવા માટે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને મળ્યાં હતા અને ગઈ કાલે સાંજે ગવર્નરને મળીને તેમને આ આક્ષેપને લગતા તમામ દસ્તાવેજો સુપરત કર્યા હતા.

પોતાના આ આક્ષેપના ટેકામાં દલીલ કરતાં કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘આ કંપનીના શૅર ખરીદનારી ઘણી ઇન્વેસ્ટર કંપનીનાં જે ઍડ્રેસ આપવામાં આવ્યાં છે એ બનાવટી છે. અમે આ ઍડ્રેસની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે આ તો રેસિડેન્શિયલ ઇમારતો છે અને અહીં રહેતા લોકોએ તેમનાં ઍડ્રેસ પર રજિસ્ટર થયેલી કંપનીઓનાં નામ પણ નથી સાંભળ્યાં. અમે આ કંપનીઓનાં ઍડ્રેસ પર રજિસ્ટર્ડ મેઇલ મોકલી હતી, જે પરત થઈ હતી. ઘણા રોકાણકારો હવાલાના ટ્રાન્ઝૅક્શનમાં સંડોવાયેલા છે. મને શંકા છે કે છગન ભુજબળનું કદાચ સ્વિચ બૅન્કમાં અકાઉન્ટ પણ છે.’

કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો છે કે આ નકલી કંપનીઓએ આર્મસ્ટ્રૉન્ગ નામની જે કંપનીમાં રોકાણ કર્યું છે એ છગન ભુજબળ અને તેમના પરિવારની માલિકીની છે. વળી આ રોકાણકાર કંપનીઓમાંથી અનેક કંપનીઓ કંપની-ર્બોડમાં પણ રજિસ્ટર્ડ નથી અને કેટલીક કંપનીઓને સેબીએ બ્લૅકલિસ્ટ કરી દીધી છે. કિરીટ સોમૈયાએ પુરાવારૂપે જે દસ્તાવેજો આપ્યા છે એ પ્રમાણે કંપનીનો ૧૦૦ રૂપિયાની કિંમતનો એક શૅર ૯૯૦૦ રૂપિયા જેટલા ભારે પ્રીમિયમથી ખરીદવામાં આવ્યો છે. આ હકીકત સામે સવાલ ઉઠાવતાં કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે હવે જે કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં ૧૨ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે એ કંપનીમાં કોણે રોકાણ કર્યું છે અને એ પણ પ્રીમિયમ ભાવે શૅરો ખરીદીને?

ગેરમાર્ગે દોરનારી હકીકત : પંકજ ભુજબળ

આ સંદર્ભમાં છગન ભુજબળનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. જોકે તેમના પુત્ર પંકજ ભુજબળે કહ્યું હતું કે ‘કિરીટ સોમૈયા અમારી સામે ખોટા આક્ષેપ કરી રહ્યા છે. અમે જે કર્યું છે અથવા જે કરી રહ્યા છીએ એમાં હવાલાની સંડોવણી નથી. અમે અગાઉ પણ સ્પષ્ટતા કરી હતી અને ફરી કરી રહ્યા છીએ કે અમારી કંપનીમાં કંઈ ગેરકાયદે નથી. કિરીટ સોમૈયાએ જે આંકડા રજૂ કર્યા છે એ ગેરમાર્ગે દોરનારા છે, અમે વ્યવસાય કરી રહ્યા છીએ.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી,

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી,

સેબી  = સિક્યૉરિટી ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા