માઘી ગણેશની ઉજવણી રંગેચંગે કરવાની આશા પર પાણી ફરી વળ્યું

10 February, 2021 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માઘી ગણેશની ઉજવણી રંગેચંગે કરવાની આશા પર પાણી ફરી વળ્યું

કોરોનાને કારણે આ વર્ષે ગણેશોત્સવ અને નવરાત્રિ બહુ જ સાદાઈથી અને સરકારી નિયમોને આધીન રહીને ઊજવવા પડ્યાં હતાં જેનો રંજ અનેક મુંબઈગરાઓને રહી ગયો છે. જોકે હવે મિશન બિગીન અગેઇન હેઠ‍ળ બધું જ ખૂલી ગયું છે અને લોકલ ટ્રેનોમાં પણ સામાન્ય મુંબઈગરાઓને શરતી પરવાનગી અપાઈ છે ત્યારે શુક્રવારથી બેસતા મહા (માઘ) મહિનામાં માઘી ગણેશની ઉજવણી રંગેચંગે કરવાની તૈયારી મુંબઈગરાઓએ રાખી હતી. જોકે એના પર હવે પાણી ફરી વળ્યું છે. બીએમસીએ જે રીતે ભાદરવામાં ગણેશોત્સવ સાદાઈથી ઊજવવા માટે બંધનો મૂક્યાં હતાં એ જ બંધનો હવે માઘી ગણેશમાં પણ રાખ્યાં છે.

મુંબઈની ઘણી બધી હાઉસિંગ સોસાયટીઓ દર વર્ષે ભાદરવામાં બાપ્પાની પધરામણી સાર્વજનિક રીતે કરીને ધામધૂમથી ગણેશોત્સવ ઊજવે છે. આ વર્ષે ધામધૂમથી ગણેશોત્સવ ઊજવી શકાયો ન હોવાથી તેઓ માઘી ગણેશમાં બાપ્પાની પધરામણી કરીને ધામધૂમથી એની ઉજવણી કરવાનું વિચારી રહી હતી. એ માટેની તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. ગણેશોત્સવને અઠવાડિયાની વાર છે ત્યારે હવે બીએમસીનો ઑર્ડર બધાને મળી રહ્યો છે. જોકે એ ઑર્ડર બીએમસીએ ૨૨ જાન્યુઆરીએ જ બહાર પાડ્યો હતો, પણ એને ચૅનલ વાઇઝ બહાર આવવામાં વાર લાગતી હોય છે. બીએમસીએ એના ઑર્ડરમાં મૂર્તિની ઊંચાઈ ૪ ફુટ કરતાં વધુ ન હોવી જોઈએ, મંડપ નાનો હોવો જોઈએ, જાહેર પ્રોગ્રામ બંધ રાખવો અને મંડપમાં એક સમયે મર્યાદિત સંખ્યામાં લોકો હાજર હોય એનું ધ્યાન રાખવું વગેરે કહ્યું છે.

મુંબઈગરાઓમાં એથી નારાજગી ફેલાઈ ગઈ છે. અનેક સોસાયટીઓએ એમની મૂર્તિનો ઑર્ડર આપી દીધો હતો અને સરકાર તરફથી આ બાબતે કોઈ વહેલી જાહેરાત થઈ નહોતી એટલે મૂર્તિકારોએ પણ તેમના ઑર્ડર સ્વીકારીને એ મુજબની (૪ ફુટ કરતાં ઊંચી) મૂર્તિ બનાવી હતી. હવે એ મૂર્તિ રાતોરાત ચેન્જ કરી શકાય એમ ન હોવાથી કઈ રીતે બાપ્પાની પધરામણી કરવી એની અસમંજસ સર્જાઈ છે. નાની તૈયાર મૂર્તિ લેવી કે પછી નિયમોનો ભંગ કરીને એ જ ઊંચી મૂર્તિના પધરામણી કરવી એ ચર્ચાએ જોર પકડ્યું છે.

મૂર્તિની ઊંચાઈ બાબતે બાંધછોડ કરવામાં આવે: સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ

સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે આ બાબતે કહ્યું હતું કે ‘બીએમસીએ સપ્ટેમ્બરમાં જે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર જાહેર કરી હતી એ જ પૉલિસી આ વખતે પણ રાખી છે, એમાં કોઈ ચેન્જ કરાયો નથી. છેલ્લા થોડા વખતથી કોરોના કાબૂમાં હોવાથી માઘી ગણેશની ઉજવણી રંગેચંગે થઈ શકશે એવી આશા હતી, પણ હવે એ નહીં થઈ શકે. મંડળોને બહુ મોડી જાણ કરવામાં આવી છે. આગમન વખતે કે વિસર્જન વખતે ધામધૂમ નહીં કરીએ અને પ્રોગ્રામ પણ નહીં રાખવામા આવે. જોકે બાપ્પાની જે મૂર્તિઓ તૈયાર થઈ ગઈ છે એમના કદને હવે ઘટાડવું મુશ્કેલ છે. એથી અમારી એટલી માગણી છે કે એ નિયમમાં અમને થોડી રાહત આપવામાં આવે.’

mumbai mumbai news