મને ખબર છે કે માધુરીના દીકરા કઈ સ્કૂલમાં ભણે છે, તેમના જીવને જોખમ છે

05 December, 2014 04:30 AM IST  | 

મને ખબર છે કે માધુરીના દીકરા કઈ સ્કૂલમાં ભણે છે, તેમના જીવને જોખમ છે


પ્રવીણકુમાર મૂળ છત્તીસગઢનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પ્રવીણકુમાર પાસેથી એક મૅગેઝિન મળ્યું હતું જેમાં તમામ ફિલ્મસ્ટારોના મૅનેજરોના ફોન-નંબર હતા. આ ફોન-નંબરોનો અભ્યાસ કરીને પ્રવીણે માધુરીની મૅનેજરનો નંબર મેળવીને તેને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. મેસેજમાં પ્રવીણ ધમકી આપતો હતો કે તેને જાણ છે કે માધુરીના પુત્રો કઈ સ્કૂલમાં ભણે છે અને તેમની જિંદગીને જોખમ છે. તેણે માધુરીની મૅનેજરને એમ પણ કહ્યું હતું કે પોતે છોટા રાજનની ગૅન્ગનો સભ્ય છે.

ત્યાર બાદ આરોપી માધુરીના પુત્રોને બચાવવા માટે નાણાંની માગણી કરવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ માધુરીની મૅનેજરે તરત જ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદની નોંધ થતાં સાઇબર સેલે તેનાં મોબાઇલ-લોકેશન્સ અને ઍડ્રેસ શોધી કાઢ્યાં હતાં એમ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ધનંજય કુલકર્ણીએ જણાવ્યું હતું. પોલીસે માહિતી આપી હતી કે પ્રવીણ પાસે ઘણાં અભિનેતા અને અભિનેત્રીઓના ફોન-નંબરો મળી આવ્યા હતા અને તે ઘણાને જિંદગીનું જોખમ જણાવીને નાણાંની માગણી કરવાની યોજના ધરાવતો હતો. પ્રવીણે માધુરીની મૅનેજરને પાંચ મેસેજ મોકલ્યા હતા. પ્રવીણ પર પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ ૫૦૬(૨) અને ૨૦૦૮ના આઇટી ધારાની કલમ ૬૬(એ) હેઠળ ગુનો નોંધ્યો છે.