વૈભવી કારચોરીના કૌભાંડી નીકળ્યા વેરી વેલ ઑર્ગેનાઇઝ્ડ

22 January, 2021 10:08 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

વૈભવી કારચોરીના કૌભાંડી નીકળ્યા વેરી વેલ ઑર્ગેનાઇઝ્ડ

વૈભવી કારચોરીના કૌભાંડી નીકળ્યા વેરી વેલ ઑર્ગેનાઇઝ્ડ

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે વૈભવી કાર જેમાં મર્સિડીઝ, ફૉર્ચ્યુનર, ઓડી અને મીની કૂપર જેવીનો પણ સમાવેશ થાય છે એ પેટીપૅક કન્ડિશનમાં મૉર્ગેજ આપી બૅન્ક અને વાપરનાર બન્નેને છેતરનાર ચાલાક ટોળકીના ૮ સભ્યોને ઝડપી લીધા છે અને તેમની પાસેથી ૨૦ જેટલી વૈભવી કાર હસ્તગત કરી છે. પોલીસે કરેલી પૂછપરછમાં જણાઈ આવ્યું છે કે આ ગૅન્ગ એક કંપની કઈ રીતે ચાલતી હોય એ રીતે એકદમ વ્યવસ્થિત ઑર્ગેનાઇઝ્ડ રીતે ચાલતી હતી. ગૅન્ગના સભ્યોનું કામ ફિક્સ રહેતું. વળી એમાં તો સ્પેશ્યલાઇઝેશન ધરાવતા હતા.’
આ વિશે વધુ માહિતી આપતાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ પાંચના એપીઆઇ અમોલ માળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગૅન્ગમાં એક વ્યક્તિ માત્ર અન્ય રાજ્યોમાંથી બની શકે તો નાના એવા ટાઉન કે ગામમાંની માલેતુજાર પાર્ટીઓને શોધી તેમને કાર મૉર્ગેજ રાખી સામે ધિરાણ આપવા પટાવવામાં હોશિયાર હતી. તો બીજી વ્યક્તિ માત્ર બનાવટી દસ્તાવેજો બનાવવામાં માહેર હતી. તો ત્રીજી વ્યક્તિ પૉશ કારના શો-રૂમમાં જઈ કાર બુક કરાવી કૉન્ફિડન્સથી બનાવટી દસ્તાવેજોને આધારે લીધેલી લોન પર કાર બુક કરાવતી. આમ દરેકનાં કામ વહેંચાયેલાં હતાં. તેમને તેમના કામ પૂરતું કમિશન આપવામાં આવતું હતું.’
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું હતું કે ‘આ ગૅન્ગ પહેલાં પાર્ટી શોધતી. તેને કઈ ગાડીમાં ઇન્ટરેસ્ટ છે એ નક્કી થતું. ત્યાર બાદ એ ગાડી લેવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરાતા. આ ગૅન્ગમાં એક આરોપી બૅન્કનો ભૂતપૂર્વ કર્મચારી છે, તેને ખબર છે કે બૅન્કો લોન પાસ કરતી વખતે શું શું જુએ છે, શું ચેક કરે છે. એથી એ જે પ્રમાણે કહે એ પ્રમાણે બનાવટી દસ્તાવેજો તૈયાર કરાતા, જેમાં આધાર કાર્ડ અને પેન કાર્ડ સહિત બૅન્ક સ્ટેટમેન્ટ અને આઇટી રીટર્નનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ એ દસ્તાવેજોના આધારે લોન અપ્લાય કરાતી. દરમિયાન જે વ્યક્તિને કાર ગીરવે આપવાની હોય તેમની પાસેથી રકમ લેવાતી. સમજો કે ૪૦ લાખની કાર હોય તો ૨૦ લાખની રકમ લેવાતી. એ ૨૦ લાખમાંથી કારનું ડાઉન પેમેન્ટ ૮ લાખ જેટલું આપી દેવાતું. એથી બૅન્ક પણ લોન પાસ કરી દેતી. બૅન્કની લોન પાસ થઈ જાય એટલે ગાડીની ડિલિવરી લઈ એ ગાડી તરત જ પાર્ટીને મોકલી દેવાતી. બે-ચાર હપ્તા ન મળે એટલે બૅન્ક પહેલાં તેમની કાર ટ્રેસ કરતી, પણ કાર ટ્રેસ થતી નહીં. આ બધામાં હજી સુધી બૅન્કનો કે પ્રાઇવેટ ફાઇનૅન્સ કંપનીના અંદરના કોઈની સંડોવણી છે કે નહીં એ બહાર આવ્યું નથી, એની તપાસ ચાલી રહી છે. કેટલાક કિસ્સામાં તો એવું બને છે કે ધિરાણ આપનાર વ્યક્તિ એ કાર બેથી ત્રણ વર્ષ સુધી વાપરે છે. અન્ય રાજ્યોનાં નાના એવા ટાઉન કે શહેરોમાં ગાડીના દસ્તાવેજો બહુ ઝીણવટથી તપાસાતા નથી. આ ગૅન્ગના ૩-૪ આરોપીઓ સામે આ પહેલાં પણ છૂટક ગુના નોંધાયા છે. અમે કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છીએ.’
એપીઆઇ અમોલ માળીએ વધુમાં કહ્યું હતું કે ‘હાલમાં અમે જે ગાડીઓ હસ્તગત કરી છે એ બૅન્ગલોર, લખનઉ, નાગપુર એમ દૂર-દૂરથી કરી છે. હજી વધુ ગાડીઓ આવી રીતે ધિરાણ સામે અપાઈ હોવાની અમને શંકા છે. અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news