ડબલ ટ્રબલ

23 August, 2022 09:34 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આઠમી ઑગસ્ટે લોઅર પરેલમાં ગુજરાતી પરિવારના ઘરે લાગેલી આગમાં જેમનો પરિવાર વિખેરાઈ ગયો છે તે તેજાભાઈ રાઠોડ પાસે ઘર રિપેર કરવાના પૈસા પણ ન હોવાથી સંબંધીના ઘરે રહે છે

તેજાભાઈ રાઠોડના ઘરે આગ લાગ્યા બાદ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઘરની આવી હાલતમાં કોઈ સુધાર નથી કરી શક્યા. હાલમાં તેઓ સંબંધીના ઘરે રહે છે.

પણ પરિવારજનોને વધારે ચિંતા તેમને પત્ની અને પુત્રીનાં મૃત્યુની જાણ કઈ રીતે કરવી એની થઈ રહી છે

લોઅર પરેલના ગણપતરાવ કદમ માર્ગ પર રહેતો ગુજરાતી પરિવાર આગની એક દુર્ઘટનામાં સંપૂર્ણ રીતે વીખરાઈ ગયો છે. ઘરમાં કમાનાર મા-દીકરીએ આગની ઘટનામાં જીવ ગુમાવ્યો, જ્યારે હૉસ્પિટલમાં ઍડમિટ ૭૫ વર્ષના વયોવૃદ્વને સારવાર બાદ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ તો મળ્યો, પણ ઘરની કફોડી હાલત હોવાથી પોતાના ઘરે જઈ શકતા નથી અને સંબંધીના ઘરે આવીને રહેવા મજબૂર છે. દીકરો પણ આગની લપટમાં આવ્યો હોવાથી તે હજી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જોકે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આ દુર્ઘટનાગ્રસ્ત ઘર ક્યારે રિપેર કરી શકાશે એ પણ આ વયોવૃદ્વને ખબર નથી. ૮ ઑગસ્ટે તેમના ૯૦ વર્ષ જૂના મરિયમ મેન્શનના ઘરમાં આગ લાગી હતી.

લોઅર પરેલમાં રહેતા આ પરિવારમાં દીકરી મધુએ મમ્મી લક્ષ્મી રાઠોડ અને પપ્પા તેજાભાઈ રાઠોડની સુવિધા માટે ઘરમાં ઍર-કન્ડિશન નખાવ્યું હતું. નોકરી કરીને એના ઇન્સ્ટૉલમેન્ટ પણ ભરતી હતી. જોકે એસીના વાયરમાં થયેલા શૉર્ટ-સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી, જેના લીધે લક્ષ્મીબહેન અને મધુએ  જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેજાભાઈ અને પુત્ર દિનેશ જખમી થયા હતા. દિનેશની ગંભીર હાલત હતી અને તે મોઢાના ભાગમાં વધુ દાઝી ગયો હોવાથી કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. બે દિવસ પહેલાં તેજાભાઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો હોવાથી તેઓ પોતાના ઘરે રહેવા જેવી પરિસ્થિતિ ન હોવાથી સંબંધીના ઘરે રહેવા ગયા છે.

આ પણ વાંચો : એસી લઈ આવ્યું મોતનો સંદેશ

ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઘર કઈ રીતે રિપેર થશે એ ચિંતા તેજાભાઈ રાઠોડને થઈ રહી છે એમ કહેતાં તેમના ભત્રીજા સુરેશ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરમાં મા-દીકરી બન્ને કમાતાં હતાં, જ્યારે દિનેશ પ્રાઇવેટ નોકરી કરે છે. ઘરનો ભાર મા-દીકરીએ ઉપાડતાં હતાં. આગની આ દુર્ઘટનાએ આખા પરિવારને વિખેરી નાખ્યો છે. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આગ લાગ્યા બાદ ઘર જે હાલતમાં હતું એ જ હાલતમાં અત્યારે પણ છે. આખું ઘર કાળું થઈ ગયું છે, સામાનને પણ ખૂબ નુકસાન પહોંચ્યું હોવાથી ઘર ખંડેર જેવું થઈ ગયું છે. આ દુર્ઘટનાના લીધે તેમને એક સંબંધીના ઘરે રહેવું પડ્યું છે. દિનેશને અમુક દિવસો બાદ ડિસ્ચાર્જ મળશે તો પણ થોડો સમય તો તે કામ નહીં જ કરી શકે. પરિવારને આર્થિક મદદની ખૂબ જ જરૂર છે, જેથી તેઓ ઘર રિપેર કરી શકે.’

તેજા રાઠોડ વયોવૃદ્વ છે અને આ દુર્ઘટના બાદ તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. હાલમાં જ તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો છે અને તેમને પત્ની તથા દીકરી મૃત્યુ પામ્યાં છે એ વિશે કેવી રીતે જણાવવું એમ કહેતાં સુરેશ રાઠોડે કહ્યું કે ‘મોટા પપ્પા દુર્ઘટના બાદ ખૂબ ઉદાસ થઈ ગયા છે. ઘરની હાલત પણ કફોડી થઈ ગઈ છે એ પણ તેમને ચિંતા છે અને પરિવારના લોકો હૉસ્પિટલમાં ઍડમિટ હોવાથી  તેઓ તનાવમાં છે., એથી હાલમાં તેમને અમે કંઈ જ કીધું નથી અને તેઓ પૂછે તો બન્ને આઇસીયુમાં છે એવું કહીએ છીએ. તેમને થોડા દિવસ બાદ અમે ગામે મોકલાવીશું એ પછી જ તેમને જાણ કરીશું, પણ એ કેવી રીતે કરવું એ અત્યારે નથી સમજાતું.’

mumbai mumbai news lower parel preeti khuman-thakur